ન્યૂ રાજકોટમાં દિવાળી પૂર્વે વેચવા મૂકેલા 9 પ્લોટ ફરી વેંચાણ અર્થે મુકાશે
અબતક, રાજકોટ
કોર્પોરેશનની આર્થિક સ્થિતિ દિનપ્રતિદિન સતત કથળી રહી છે. વિકાસકામોની વાત તો દૂર રહી હવે પગારના પણ ફાંફાં પડી રહ્યા છે. આવામાં હવે ખર્ચ સામે આવકનો ટાંગામેળ કરવા માટે માર્ચ મહિનામાં ટીપી શાખા દ્વારા 300 કરોડની જમીન વેંચવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. ન્યૂ રાજકોટમાં દિવાળી પહેલા અલગ-અલગ વિસ્તારમાં 9 પ્લોટ વેંચવા માટે ઇ-ઓક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારમાંથી જમીન ન વેંચવાનો આદેશ આવતા છેલ્લી ઘડીએ ઇ-ઓક્શન રદ્ કરવામાં આવ્યું હતું.
હવે કોર્પોરેશનની નાણાકીય સ્થિતિ થોડી નાજુક થઇ રહી છે ત્યારે માર્ચ મહિનામાં અલગ-અલગ 9 પ્લોટનું ઇ-ઓક્શન કરવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે. જેમાં 150 ફૂટ રીંગ રોડ પર અમીન માર્ગના કોર્નર પરનો પ્લોટ, 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ પાછળ પાઠક સ્કૂલ પાસેનો પ્લોટ અને ધોળકીયા સ્કૂલ નજીક આવેલો પ્લોટ, કેરાલા પાર્ક મેઇન રોડ પર સીલ્પન આઇનોક્ષની બાજુનો પ્લોટ અને તેની સામે આવેલો પ્લોટ ગંગોત્રી મેઇન રોડ પર બી.ટી.સવાણી હોસ્પિટલ પાસેનો પ્લોટ, તોરલ પાર્ક મેઇન રોડ પર આલાપ એવન્યૂની બાજુનો પ્લોટ, રૈયા રોડ પર સવન સરર્ફેસની સામેનો પ્લોટ અને પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની બાજુમાં આવેલા પ્લોટ વેંચાણ માટે મુકવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં જમીન વેંચાણનો 300 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જેની સામે જે 9 પ્લોટનું વેંચાણ કરવાની વિચારણાં ચાલી રહી છે તેની કિંમત આશરે 420 કરોડ રૂપિયા જેવી થવા પામી છે. હાલ જમીન વેંચાણની ફાઇલ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મંજૂરી અર્થે મુકવામાં આવી છે.