રાજ્ય સરકારના આદેશ બાદ 32 સભ્યોવાળી ટાસ્ક ફોર્સ રચાઈ, મ્યુનિ.કમિશનર રહેશે અધ્યક્ષ: સાંજે પ્રથમ મીટીંગ
છેલ્લા એક વર્ષથી વિશ્ર્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. વૈશ્ર્વિક મહામારી કોરોનાની વેકસીન હવે શોધાઈ ચૂકી છે અને તેને મહદઅંશે સફળતા પણ મળવા લાગી છે. ભારતમાં આગામી અમુક સપ્તાહમાં કોરોનાની વેકસીન આવી જશે તેવી જાહેરાત ખુદ વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારના આદેશના પગલે કોરોના વેકસીનની વિતરણ વ્યવસ્થા સહિતની તમામ કામગીરી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 32 સભ્યોની એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતાવાળી આ ટાસ્ક ફોર્સની મીટીંગ સાંજે કોર્પોરેશન કચેરી ખાતે મળશે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ મહાપાલિકાઓ, નગરપાલિકાઓને કોરોના વેકસીનની લગત તમામ પ્રકારની કામગીરી કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવા માટે સુચના આપવામાં આવી છે. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 32 સભ્યોની ટાસ્ક ફોર્સ રચાઈ છે જેમાં અધ્યક્ષ તરીકે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ રહેશે. ટાસ્ક ફોર્સમાં ત્રણેય ઝોનની ડીએમસી, આરોગ્ય અધિકારી, તમામ નાયબ આરોગ્ય અધિકારી, સિવિલ સુપ્રિ., મેડિકલ કોલેજના એક ડોકટર, પદ્મકુંવરબા હોસ્પિટલના 1 સર્જન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સભ્ય, શિક્ષણ વિભાગના એક પ્રતિનિધિ, ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ સહિતના કુલ 32 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટાસ્ક ફોર્સ કોરોના વેકસીનને લગતી તમામ પ્રકારની કામગીરી સંભાળશે જેવી કે વેકસીનનો યોગ્ય જગ્યાએ સંગ્રહ, યોગ્ય વિતરણ વ્યવસ્થા, વેકસીનેશન માટેની યાદી તૈયાર કરવી, કઈ રીતે લોકોને વેકસીન માટેની જાણ કરવી અને વેકસીન આપવી જેવી બાબતોની કાળજી લેશે. આજે સાંજે 6 કલાકે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ટાસ્ક ફોર્સની પ્રથમ બેઠક મળશે જેમાં અલગ અલગ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.