પ્રિ-મોન્સુનની વિવિધ કામગીરીની સમીક્ષા અને ભાવિ આયોજન કરતા મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ
વર્ષાઋતુ ૨૦૨૦ અનુસંધાને આપત્તિ સામેની બચાવ અને રાહત કામગીરીની વ્યવસ્થાના કામે તેમજ કોઈ જાનહાની ન થાય તેને લક્ષ્યમા રાખી પ્રિ-મોન્સુનની તૈયારી કરવા વિવિધ શાખાના અધિકારીઓને લગત કામગીરી સબબ જવાબદારી સોંપવામાં આવી હતી. આવનારા સમયમાં ચોમાસાની ઋતુને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારથી જ પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રિ-મોન્સુન કામગીરી લગત વિવિધ મુદ્દાઓની ચર્ચા અને આયોજન કરવા અંગે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વિવિધ શાખાના સંબધિત અધિકારીઓ સાથે એક મીટિંગ યોજવામાં આવી હતી. ચોમાસા દરમ્યાન આવનારા પડકારોનો અત્યારથી જ સામનો કરવા રાજકોટ મહાનગરપાલિકા તૈયાર રહે તે બાબતને ધ્યાનમાં રાખી અત્યારથી જ પ્રિ-મોન્સુન કામગીરી શરૂ કરવા સુચના આપવામાં આવેલ હતી, તેમજ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હોય તેવા એરિયામાં પાણીના નિકાલ માટેની ચર્ચા કરવામાં આવેલ હતી.
વધુમાં મ્યુનિ. કમિશનરએ જણાવ્યું હતું કે, દરેક વોર્ડમાં પ્રિ-મોન્સુન કામગીરી પુરજોશ થાય તે માટે જે-તે વોર્ડના વોર્ડ પ્રભારી અને વોર્ડ ઓફિસર દરરોજ વોર્ડનું નિરીક્ષણ કરશે, જો કોઈ વોર્ડમાં કામગીરી ધીમી ચાલતી હોય તો તાત્કાલિક પૂર્ણ કરવા સુચના આપવામાં આવી છે. દરેક અધિકારી સવારથી જ ફિલ્ડમાં કામગીરી ચકાસવા જશે અને તાત્કાલિક કામ પુરા કરવા પર ધ્યાન આપવામાં આવશે. મ્યુનિ. કમિશનર તમામ વોર્ડમાં વોર્ડ પ્રભારી અને વોર્ડ ઓફિસરને સાથે રાખીને વોર્ડ વાઈઝ પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા કરવા દરેક વોર્ડમા વિવિધ વિસ્તારોની મુલાકાત લેશે.પ્રિ-મોન્સુન કામગીરી જેવી કે, વાવાઝોડાની આગાહી તથા ભારે વરસાદ વખતે દરેક વોર્ડ માટે નોડલ ઓફિસર તરીકે વોર્ડ ઓફિસર, ડે.એન્જીનીયર તથા આસી. એન્જીનીયરની નિમણુંક કરવી, દરેક ઝોનમાં હાજર રહી તાબાનાં વોર્ડ ડે.એન્જીનીયર, આસી.એન્જીનીયર, વર્ક આસિસ્ટન્ટ તેમજ કોન્ટ્રાક્ટરને હાજર રાખી પોતાનાં દરેક ઝોનમાં ભારે વરસાદથી જે નિચાણવાળા વિસ્તારો, સોસાયટીમાં પાણી ભરાયા હોય તેના નિકાલની કામગીરી ઉપરાંત વરસાદ, વાવાઝોડા બાબતની તમામ આનુષાંગીક કામગીરી કરવા મ્યુનિ. કમિશનર દ્વારા સુચના આપવામાં આવી હતી. ભારે વરસાદ દરમ્યાન રોડ ઉપરના ડ્રેનેજનાં ઢાંકણાઓ લોકો દ્વારા ખોલવામાં આવે છે. જે ફરી બંધ થતા નથી જેથી તેમાં અકસ્માત થાય છે તેવી શક્યતાઓ લક્ષમાં રાખી તે બંધ કરવા માટે વ્યવસ્થા થશે. ડ્રેનેજ લગત આવતી ફરિયાદોના નિકાલ માટે ભારે વરસાદ દરમ્યાન વ્યવસ્થા રાખવી તેમજ મેન પાવર અને મશીન પુરતા પ્રમાણમાં હાજર રાખવામા આવશે.
ભારે વરસાદના કારણે રાહત કાર્યની સંકલન માટે અને જરૂરીયાત મુજબના ફુડ પેકેટસ કે અન્ય સામગ્રી સ્વૈચ્છીક સંસ્થાઓ વ્યવસાયિક સંસ્થાઓ પાસે મેળવવા અને જે તે જગ્યાએ રાહત શીબીરોમાં પહોંચાડવા વ્યવસ્થા ગોઠવાશે. મધ્યાહન ભોજન યોજનાના રસોડાના માધ્યમથી જરૂરીયાતના સમયે મોટા પ્રમાણમાં રસોઇની વ્યવસ્થા કરાવી વિતરણ થઇ શકે તે મુજબ આયોજન થશે. નિચાણવાળા પાણી ભરાય તેવા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવા માટે નજીકની શાળામાં આશરો આપવા માટેની વ્યવસ્થા કરવી જરૂરીયાતના સમયે સ્થળાંતર કરાવવુ. અને વરસાદી પાણી ઓસરી ગયા બાદ તેઓને શાળામાથી પરત મોકલવાની વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવી છે. તુટી પડેલા વિજળીનાં વાયરો, પડી ગયેલા થાંભલાઓ, રસ્તાઓ પર પડેલા વિજળીનાં વાયરો વિગેરેની દુરસ્તીનું કાર્ય પી.જી.વી.સી.એલ. સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. જનરેટર સેટ, ટેલીફોન, વાયરલેસ સેટ વગેરે ચાલુ હાલતમા રાખવા અગાઉથી વ્યવસ્થા થશે.ખાનગી પાર્ટીઓ પાસેથી ભાડે જનરેટર સેટ મળી રહે તેવા કોન્ટ્રાકટરોની યાદી હાથ પર રાખવી. પી.જી.વી.સી.એલ.ના સતાવાળા સાથે સંકલન કરી વિજ પુરવઠો સ્ટ્રીટ લાઈટ વિગેરેની તુરત જ મરામત તથા પુન: વિજળી ચાલુ કરવાની કાર્યવાહી કરવામા આવશે.