પછાત વર્ગ મ્યુનિસિપલ કર્મચારી મંડળ દ્વારા આગામી દિવસોમાં ફરી કરાશે રજૂઆત
કોર્પોરેશનના કર્મચારીઓના અલગ-અલગ 18 જેટલા પ્રશ્ર્નો અંગે અલગ-અલગ 8 યુનિયન દ્વારા વહીવટી તંત્ર સામે આંદોલનનું વ્યૂંગલ ફૂંકવામાં આવ્યું હતું. દરમિયાન શાસકોએ ગત 18મી સપ્ટેમ્બરના રોજ મોટાભાગના પ્રશ્ર્નો ઉકેલી દેવામાં આવશે તેવી ખાતરી આપતા આંદોલન સમેટાઇ ગયું હતું. જો કે શાસકોની ખાતરી માત્ર લોલીપોપ જ હોય તેવું હવે કર્મચારીઓ મહેસૂસ કરી રહ્યાં છે. આગામી દિવસોમાં ફરી આંદોલનના મંડાણ થાય તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનના કર્મચારીઓના વિવિધ પ્રશ્ર્નોને લઇ ગત 3 સપ્ટેમ્બરના રોજ મ્યુનિ.કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ અધિકાર રેલી, સૂત્રોચ્ચાર, ઘંટારવ, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. માસ સીએલ અને અચોક્કસ મુદ્તની હડતાલના કાર્યક્રમો પણ જાહેર કરવામાં આવ્યા હતાં. જેનાથી શાસકો રિતસર ફફડી ઉઠ્યા હતા. જનરલ બોર્ડના દિવસે માસ સીએલના કાર્યક્રમથી ખળભળાટ મચી ગયો હતો. જો કે બોર્ડના આગલે દિવસે શાસકોએ કર્મચારીઓની 70 ટકાથી વધુ માંગણીઓ સ્વીકારી લેવાની ખાતરી આપતા આંદોલન સમેટાઇ ગયું હતું. જો કે આ ખાતરી માત્ર લોલીપોપ હોવાનું જણાતા ફરી કર્મચારીઓ આંદોલનનું હથિયાર ઉગામે તેવી ભિતી વર્તાઇ રહી છે. અલગ-અલગ 8 યુનિયન પૈકી પછાત વર્ગ મ્યુનિ.કર્મચારી મંડળ દ્વારા આગામી સપ્તાહે મ્યુનિ.કમિશનરને ફરી એક વખત આવેદન પત્ર આપવામાં આવશે. છતાં જો માંગણીઓનો સ્વીકાર નહીં કરાય તો ફરી આંદોલન શરૂ કરાશે.