રાજકોટ સહિત રાજયની ૬ મહાનગરપાલિકાઓની મુદત ડિસેમ્બરમાં પૂર્ણ થઈ રહી છે, કોરોનાનાં કારણે આ વર્ષે ચૂંટણી યોજવી લગભગ અશકય જેવું: ૬ માસ માટે વહિવટદાર શાસન આવે તેવી સંભાવના

રાજકોટ, અમદાવાદ, સુરત, બરોડા, ભાવનગર અને જામનગર એમ કુલ ૬ મહાનગરપાલિકાની વર્તમાન બોડીની મુદત આગામી ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ રહી છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં હાલ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણી યોજવી ખુબ જ જોખમકારક જણાઈ રહ્યું છે. આવામાં રાજકોટમાં ડિસેમ્બરથી વહિવટદાર શાસન લાદી દેવામાં આવે તેવી સંભાવના હાલ વર્તાય રહી છે. રાજય સરકાર દ્વારા પણ ચુંટણી પાછી ઠેલવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે જો આવું થશે તો રાજકોટ મહાનગરપાલિકામાં છઠ્ઠી વખત વહિવટદાર શાસન આવશે.

રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન બોડીની મુદત આગામી ૧૪મી ડિસેમ્બરનાં રોજ પુરી થઈ રહી છે ત્યારે નવેમ્બર માસમાં ચુંટણી યોજવી પડે તેવું છે આ માટે સપ્ટેમ્બર કે ઓકટોબર માસમાં જ ચુંટણીની તારીખો જાહેર કરવી પડે. રાજકોટ ઉપરાંત રાજયની ૬ મહાનગરપાલિકાઓની વર્તમાન ટર્મની મુદત ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ રહી છે. હાલ રાજયભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને ૨૨ હજારથી પણ વધુ કેસો નોંધાઈ ચુકયા છે. અમદાવાદ, સુરત અને બરોડાની હાલત ખુબ જ નાજુક છે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ઓછું છે પરંતુ હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે, મહાપાલિકાની ચુંટણી ૬ મહિના પાછી ઠેલાશે. કારણકે ચુંટણી દરમિયાન જાહેરસભા, ઘેર-ઘેર સંપર્ક, સંમેલનો થતા હોય છે આવું હાલ કોરોના મહામારી વચ્ચે કોઈ કાળે થઈ શકે તેમ નથી. મહાપાલિકાનાં સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ ડિસેમ્બરમાં વર્તમાન બોડીની મુદત પૂર્ણ થઈ રહી છે ત્યારે ચુંટણી પાછી ઠેલાય તેવી હાલ પ્રબળ સંભાવના જણાઈ રહી છે જો ચુંટણી પાછી ઠેલાશે તો મહાપાલિકામાં વહિવટદાર શાસન મુકવામાં આવશે. ચુંટણીપંચની નવી ગાઈડલાઈન મુજબ કોઈપણ બોડીની મુદત પૂર્ણ થતી હોય તો મુદતમાં વધારો કરી શકાતો નથી આવામાં ચુંટણી પાછી ઠેલી વહિવટદાર શાસન મુકવાનો એકમાત્ર વિકલ્પ બચે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના તા.૧૯/૧૧/૧૯૭૩નાં રોજ થઈ હતી. ૪૭ વર્ષનાં ઈતિહાસમાં પાંચ વાર વહિવટદાર શાસન મુકવામાં આવ્યું છે.

પાણીની કટોકટી, સુપરસીટ થવું, મુદત પુરી થવા છતાં ચુંટણી ન યોજી શકવી સહિતનાં કારણોસર વહિવટદાર મુકવામાં આવ્યા હતા જેમાં ૧૯૭૪માં એન.એમ.બ્રિજલાણી, કે.વરદન, શી.સમાજપતિ અને શી.શી.ડોકટરની અલગ-અલગ સમય માટે વહિવટદાર તરીકે નિમણુક કરવામાં આવી હતી. ૧૯૮૧માં વહિવટદાર તરીકે આર.રામભદ્રનની નિમણુક કરવામાં આવી હતી. ૧૯૯૩માં પાણીની ભયંકર કટોકટીનાં કારણે ચુંટણી યોજી શકાય તેમ ન હોવાનાં કારણે ૨૦ મહિના માટે વહિવટદારની નિમણુક કરવામાં આવી હતી જેમાં વહિવટદાર તરીકે અશોક કોશી અને અશોક નારાયણની નિમણુક કરાઈ હતી. ૨૦૦૦ની સાલમાં પણ મુદત પૂર્ણ થયા બાદ ચુંટણી સમયસર યોજવા માટેના સાનુકૂળ પરીબળો ન હોવાનાં કારણે વહિવટદાર શાસન આવ્યું હતું અને વહિવટદાર તરીકે પી.એમ.રોયચૌધરીની નિમણુક કરવામાં આવી હતી. છેલ્લે ૧૫ વર્ષ પૂર્વે વર્ષ ૨૦૦૫માં મુદત પુરી થયા બાદ ચુંટણી ન યોજી શકાય તેમ હોવાનાં કારણે જી.આર.આલોરીયાની વહિવટદાર તરીકે નિમણુક કરવામાં આવી હતી. આ ઉપરાંત એક વખત મહાપાલિકામાં બોડીની મુદત પણ એક વર્ષ માટે વધારવામાં આવી હતી. ૧૯૮૬માં પાણીની કટોકટીનાં કારણે મહાપાલિકાનાં શાસકોની મુદત તા.૬/૨/૧૯૮૬નાં રોજ પૂર્ણ થતી હતી જે મુદત વધારી ૬/૨/૧૯૮૭ કરવામાં આવી હતી ત્યારે મેયર તરીકે વજુભાઈ વાળા કાર્યભાર સંભાળતા હતા. આમ મહાપાલિકાનાં ૪૭ વર્ષના કાર્યકાળમાં પાંચ વખત વહિવટદાર શાસન આવ્યું છે અને એક વખત બોડીની મુદતમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે.

રાજયની ૬ મહાનગરપાલિકાઓની વર્તમાન બોડીની મુદત આગામી ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ રહી છે પરંતુ હાલ દેશભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે.

ગુજરાતમાં પણ કોરોના ચરમસીમાએ પહોંચ્યો છે. અમદાવાદ, સુરત અને બરોડાની સ્થિતિ ખુબ જ ખરાબ છે આવામાં ચુંટણી યોજી શકાય તેવા કોઈ પરીબળો હાલ દેખાતા નથી. ડિસેમ્બર માસથી મહાપાલિકામાં વહિવટદાર શાસન આવે તેવું પણ હાલ લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.