દૂધ સાગર રોડ પર આજી નદી પર બનેલા હાઈલેવલ બ્રિજ, હિંગળાજનગર પીપીપી આવાસ યોજના પાર્ટ-૧, સ્માર્ટ સિટી પાન સિટી પ્રોજેકટ અંતર્ગત ૧૦ સ્માર્ટ બસ સ્ટોપનું ઈ-લોકાર્પણ અને વોર્ડ નં.૧૨માં ૫૦ એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આજી ડેમ પાસે અર્બન ફોરેસ્ટના કામનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત કરાશે
કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જાહેર કરવામાં આવેલા લોકડાઉન બાદ હવે અનલોકની પ્રક્રિયા પુરજોશમાં શરૂ થઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી મંદ પડી ગયેલા વિકાસ કામો ફરી ધમધમવા લાગ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના રૂા.૬૮.૮૮ કરોડના અલગ અલગ ૫ પ્રોજેકટનું આગામી ૧૪ જુલાઈના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે તેવી જાહેરાત મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ અને મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવી છે.
તેઓએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા શહેરના દૂધસાગર રોડ પર આજી નદી ઉપર હયાત બ્રિજની બાજુમાં રૂા.૩.૨૫ કરોડના ખર્ચે નવો હાઈલેવલ બ્રિજ બનાવવામાં આવ્યો છે. જેનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે મંગળવારે કરવામાં આવશે. આ ઉપરાંત ૧૫ કરોડના ખર્ચે હિંગળાજનગર વિસ્તારમાં બનેલી પીપીપી આવાસ યોજનાના પાર્ટ-૧નું લોકાર્પણ અને રૂા.૭૦ લાખના ખર્ચે સ્માર્ટ સિટીના પાન સિટી પ્રોજેકટ અંતર્ગત ૧૦ સ્માર્ટ બસ સ્ટોપનું લોકાર્પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના અમીન માર્ગ પર આવેલ હિંગળાજનગર વિસ્તારમાં ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને ઘરનું ઘરનું આપવા માટે અહીં પીપીપી આવાસ યોજના અમલમાં મુકવામાં આવી હતી. જેની સામે અનેક સવાલો સર્જાયા હતા. જો કે, અન્ય શહેરોની સરખામણીએ રાજકોટમાં પીપીપી આવાસ યોજના ખુબજ સફળ થઈ છે. હિંગળાજનગર પીપીપી આવાસ યોજનાના પ્રથમ પાર્ટનું આગામી મંગળવારે લોકાર્પણ કરાતાની સાથે જ ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને ફલેટ આપી દેવામાં આવશે. કુલ રૂા.૧૮.૯૫ કરોડના ત્રણ પ્રોજેકટનું ઈ-લોકાર્પણ કરાશે જ્યારે શહેરના વોર્ડ નં.૧૨માં મવડી વિસ્તારમાં જેટકો ચોકડી પાસે અમૃત મિશન પ્રોજેકટ અંતર્ગત રૂા.૪૨.૨૫ કરોડના ખર્ચે સ્કાડા ટેકનોલોજી ધરાવતો ૫૦ એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને હેડવર્કસ બનાવવાના કામનું જ્યારે રૂા.૭.૬૮ કરોડના ખર્ચે આજી ડેમ પાસે અર્બન ફોરેસ્ટ બનાવવાના કામનું પણ મંગળવારે ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.