વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે ૮ હોસ્પિટલેથી મેળવ્યા આંકડા: તંત્રની પોલ ખુલ્લી
શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગચાળાએ અજગરી ભરડો લીધો છે ત્યારે મહાપાલિકાના ચોપડે છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના માત્ર ૪ કેસ જ નોંધાયા છે. તંત્ર દ્વારા રોગચાળાના આંકડા છુપાવવામાં આવતું હોવાનું વધુ એક વખત પુરવાર થયું છે. શહેરમાં ડેન્ગ્યુના ૪ નહીં પરંતુ ૫૭ કેસ હોવાનો પર્દાફાશ થયો છે.
વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને રજુઆત કરતા જણાવ્યું છે કે, મહાપાલિકા તંત્ર દ્વારા મેલેરિયા અને ડેન્ગ્યુના આંકડાઓ છુપાવવામાં આવે છે. ગત સપ્તાહે શહેરમાં ૪ ડેન્ગ્યુના કેસ નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
જયારે અમે રાજકોટની ૮ હોસ્પિટલોમાં બ મુલાકાત લીધી હતી જેમાં બે હોસ્પિટલોએ તેઓને ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓની માહિતી આપી છે. જેમાં ડેન્ગ્યુના ૧૨ કેસ હોવાનું જાણવા મળી રહ્યું છે. જયારે અન્ય ૬ હોસ્પિટલોમાં પણ ૪૫ જેટલા કેસ હોવાનું માલુમ પડયું છે.
શહેરની ખાનગી હોસ્પિટલોમાં અનેક ડેન્ગ્યુના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે પરંતુ જે રીતે આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુના બે ટેસ્ટ કરાવવામાં આવે છે અને તેમાંથી એક જ ટેસ્ટને માન્ય ગણવામાં આવે છે. જે ખરેખર આશ્ચર્યજનક છે. આરોગ્ય વિભાગ રાજય સરકાર અને મ્યુનિ.કમિશનરને રોગચાળાના ખોટા આંકડા આપતા હોવાની ફરિયાદ પણ તેઓએ કરી છે.