પ્રથમ ટેન્ડરમાં એક પણ એજન્સી ન આવતા રીરી-ટેન્દરીગ કરાયું જેમાં માત્ર એક જ એજન્સીએ રસ દાખવ્યો: સતત પાછળ ઠેલાતો પ્રોજેકટ
શહેરમાં સતત વકરતી જતી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મહાપાલિકા દ્વારા અલગ-અલગ રાજમાર્ગો પર બ્રિજ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. શહેરના કાલાવડ રોડ પર કેકેવી સર્કલ ખાતે ફલાય ઓવરબ્રીજ નીચે અંડરપાસ બનાવવામાં આવનાર છે. આ માટે કોર્પોરેશનને કોન્ટ્રાકટર મળતા ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. પરીણામે એક જ કામ માટે ત્રીજી વખત ટેન્ડર પ્રસિઘ્ધ કરવા પડે તેવી નોબત સામે આવીને ઉભી છે.
કાલાવડ રોડ પર કેકેવી સર્કલ ખાતે સેન્ટ મેરી સ્કુલથી રોયલ પાર્ક સુધીના વિસ્તારમાં મહાપાલિકા દ્વારા રૂ.૧૯.૫૪ કરોડના ખર્ચે અંડરપાસ બનાવવામાં આવનાર છે. અહીં ફલાય ઓવરબ્રિજ નીચે અંડરપાસ બનાવવાનો પ્રોજેકટ પહેલાથી જ બુદ્ધિનું દેવાળુ ફુંકવા જેવો લાગી રહ્યો છે. દરમિયાન આ કામ માટે મહાપાલિકાને કોન્ટ્રાકટર મળતા નથી. પ્રથમ વખત આ પ્રોજેકટ માટે જયારે ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યું ત્યારે એક પણ એજન્સીએ રસ ન દાખવતા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી વાર હાથ ધરવામાં આવેલા પ્રયત્નમાં સમ ખાવા પુરતી માત્ર એક જ એજન્સીએ ટેન્ડર ભરતા હવે ત્રીજી વખત ટેન્ડર પ્રસિઘ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતા સપ્તાહે સંભવત: ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવશે. ટેન્ડર ફાઈનલ થાય તે પૂર્વે લોકસભાની ચુંટણીની આચારસંહિતા લાગુ થઈ જશે એટલે આ પ્રોજેકટ વધુ બે થી ત્રણ માસ પાછો ઠેલાશે.