મહાપાલિકા હસ્તકની કચેરીમાં વોટર પ્યુરીફાયર અને આરઓ મુકવા માટે ઓફર મંગાવાઈ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક તરફ એવી છાતી ઠોકીને એવું જણાવવામાં આવી રહ્યું છે કે, તંત્ર દ્વારા જે પાણી વિતરણ કરવામાં આવે છે તે સંપૂર્ણપણે શુધ્ધ અને પીવાલાયક છે અને બીજી તરફ ખુદ તંત્રને જ પોતાના પાણી પર વિશ્ર્વાસ ન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મહાપાલિકા હસ્તકની અલગ અલગ કચેરીમાં વોટર કયુરીફાયર અને આરઓ મુકવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરી ભાવ મંગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જો કોઈ શહેરીજન પીવાનું પાણી દુષિત હોવાની ફરિયાદ કરે તો કોર્પોરેશન ત્યાંથી નમુના લઈ પાણીનું પરિક્ષણ કરાવે છે જો કે અત્યાર સુધી લેવામાં આવેલા પાણીના મોટાભાગના નમૂનાઓ આશ્ર્ચર્યજનક રીતે પરીક્ષણમાં પાસ થઈ જાય છે. ત્યારે મહાપાલિકાએ પોતાની કચેરીમાં પણ પોતાના પાણીની જ વ્યવસ્થા કરવી જોઈએ જેથી કર્મચારીઓને શુધ્ધ પાણી મળી રહે પરંતુ તંત્રને પોતાના પરથી જ વિશ્ર્વાસ ઉઠી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અલગ અલગ કચેરીમાં વોટર કયુરીફાયર, આરઓ સપ્લાય પ્લાન અને મેન્ટેનન્સ માટે ત્રિવાર્ષીક કોન્ટ્રાકટ આપવા ભાવો મંગાવાયા છે. આગામી ૪થી ઓકટોબર સુધી રસ ધરાવતી પાર્ટી આ માટે ઈ-ટેન્ડર ભરી શકશે.