પાન-માવાના વેપારીઓ પાસેથી રૂ.૧૧,૫૦૦નો દંડ વસુલ કરાયો
કોર્પોરેશન દ્વારા શહેરમાં પાન પીસના પ્લાસ્ટીકના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આજે શહેરના તમામ વિસ્તારોમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પાન-માવાની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૬૬ દુકાનોમાં દરોડા દરમિયાન ૧૩ કિલો પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.૧૧,૫૦૦નો દંડ વસુલ કરાયો છે.
ઈસ્ટ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા સંતકબીર રોડ, પેડક રોડ, કુવાડવા રોડ, કોઠારીયા રોડ સહિતના વિસ્તારોમાં ૨૦ સ્થળે ચેકિંગ દરમિયાન ૫.૬ કિલો પાન માવાનું પ્લાસ્ટીક જપ્ત રૂ.૫,૩૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જયારે સેન્ટ્રલ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં પાન-માવાની ૩૨ દુકાનોમાં ચેકિંગ દરમિયાન ૨.૮ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.૪,૪૦૦નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. વેસ્ટ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ખીજડાવાળો રોડ સહિતના વિસ્તારોમાં ૧૪ દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. પ કિલો પાન-માવાનું પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.૧૮૦૦નો દંડ વસુલ કરાયો છે.