ભૂતખાના ચોકથી જિલ્લા ગાર્ડન ચોક સુધીમાં ખાણીપીણી અને પાન-કોલ્ડ્રિંક્સની 24 દુકાનોમાં ચેકીંગ
પાનની દુકાન ધરાવતાં વેપારીઓએ પણ ફૂડ લાયસન્સ લેવું ફરજિયાત છે. છતાં મોટા ભાગના ધંધાર્થીઓ શોપ એક્ટ લાયસન્સ લઇ ગાડું ગબડાવતાં હોય છે. ફૂડ લાયસન્સ વિના ધમધમતી પાનની દુકાનો પર કોર્પોરેશને ધોંસ બોલાવવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત શહેરના કેનાલ રોડ પર 17 વેપારીઓને ફૂડ લાયસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી.
આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના ભૂતખાના ચોકથી જિલ્લા ગાર્ડન ચોક સુધીના વિસ્તારમાં કેનાલ રોડ પર ખાણીપીણી અને પાન તથા ઠંડા-પીણાંની 24 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તમામને 18 વર્ષથી નીચેની વ્યક્તિને તમાંકુના વેંચાણ પર પ્રતિબંધ હોવાનું નોટિસ બોર્ડ લગાવવા માટે સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત શુભમ ડીલક્સ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, રાઠોડ પાન, પટેલ કોલ્ડ્રિંક્સ, ડીલક્સ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, ગાયત્રી પાન, ઉમા સેલ્સ એજન્સી, રાઠોડ પાન, શ્રીરામ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, ડીલાઇટ કોલ્ડ્રિંક્સ, જય આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, જયંત પાન, ખોડિયાર પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, ઝલક પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, મોમાઇ પાન, અમર પાન, ચામુંડા પાન અને કિશન પાનને ફૂડ લાયસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી છે. જ્યારે ભાનુભાઇ સરબતવાળા, ભારત પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, બલદેવ પાન, પટેલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, તકદીર પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, રામજીભાઇ અનાનસવાળા અને મારૂતિ પાન એન્ડ કોલ્ડ્રિંક્સમાં ચેકીંગ હાથ ધરાયું હતું.
ચાંદની સિઝન સ્ટોર્સમાંથી ચીકીનો નમૂનો લેવાયો
કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા આજે શહેરના યાજ્ઞિક રોડ પર જાગનાથ પોલીસ ચોકીની સામે આવેલા જાગનાથ પ્લોટ કોર્નર પર સિટી શોપ-8ના સેલર સ્થિત ચાંદની સિઝન સ્ટોર્સમાંથી ગોળ શીંગની ચીકીનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યો હતો. છેલ્લાં ઘણા સમયથી અલગ-અલગ સ્થળોએ ચીકીની દુકાનોમાંથી નમૂના લેવામાં આવી રહ્યાં છે.