ધનતેરસથી દિવાળી સુધી રેસકોર્સ ગ્રાઉન્ડમાં કાર્નીવલ યોજવા બેઠકોનો ધમધમાટ: ત્રણ કરોડના ખર્ચેનો અંદાજ
જે રીતે ગોવામાં સરકાર દ્વારા અનેક કાર્નીવલ યોજવામાં આવે છે તે રીતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવાળીના તહેવારમાં શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વર્લ્ડ કલાસ કાર્નીવલ યોજવાની ગંભીર વિચારણા શરૂ કરવામાં આવી છે. ધનતેરસથી લઈ સળંગ ત્રણ દિવસ આ કાર્નીવલ યોજવા માટે મેયર ડો.જૈમન ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ કાર્નીવલમાં અંદાજે ૩ કરોડથી વધુ પણ ખર્ચ થવાની સંભાવના છે.આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા ચાલુ સાલના બજેટમાં દિવાળી કાર્નીવલ યોજવા માટે ૫૦ લાખની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. રેસકોર્સ સંકુલમાં ધનતેરસ, કાળીચૌદશ અને દિવાળી એમ ત્રણ દિવસ કાર્નિવલ યોજવા માટે પ્રાથમિક તૈયારીઓ અને ખર્ચનો અંદાજ કાઢવા માટે બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે સાંજે ફરી આ અંગે એક બેઠક યોજાશે. દિવાળી કાર્નીવલ માટે પ્રાથમિક બેઠક મળી હતી. જેમાં આ ત્રણ દિવસના કાર્નીવલમાં ૩ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. રાજકોટવાસીઓ પર બોજ ન પડે તે માટે કાર્નીવલ યોજવા સ્પોન્સર શોધવા વધુ સ્ટોલ બનાવી આવક રળવા, જાહેરાતથી આવક ઉભી કરવા અને ગેઇટ કોઈ કંપનીને આપવા સહિતની વિચારણા ચાલી રહી છે. ગોવાની માફક રાજકોટમાં પણ વર્લ્ડ કલાસ દિવાળી કાર્નીવલ યોજવાની વિચારણા છે.તેઓએ ઉમેર્યું હતું કે, આ કાર્નીવલમાં રેસકોર્સ ફરતે અદભુત રોશની કરવામાં આવશે. આ ઉપરાંત માટે ફુડઝોન ઉભો કરાશે. બાળકોના મનોરંજન માટે રાઈડસ ઝોન ઉભું કરાશે. દિવાળીના તહેવારમાં જે ચીજ-વસ્તુઓ વધુ માત્રામાં વેચાતી હોય છે તેના પણ સ્ટોલ ઉભા કરવામાં આવશે. ચાલુ સાલના બજેટમાં દિવાળી કાર્નીવલ માટે ૫૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ કાર્નીવલનો ખર્ચ ૩ કરોડ જેટલો થવાનો અંદાજ હોય. લોકો પર શકય તેટલો બોજ ઓછો આવે તે માટે સ્પોન્સર શોધવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે.