આવા પ્લોટ પર માત્ર વૃક્ષારોપણ જ કરાશે: ગ્રીન આઇલેન્ડથી તાપમાન બે ડિગ્રી સુધી નીચું રહે છે
શહેરની વસતી અને વિસ્તારના પ્રમાણમાં ગ્રીનરીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. જેના કારણે ઉનાળાની સિઝન દરમિયાન તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. કોર્પોરેશન દ્વારા ગ્રીનરી વધારવા પર સતત ભાર મુકવામાં આવી રહ્યો છે. આ વર્ષે પણforest ચોમાસાની સિઝનમાં વૃક્ષારોપણ વધારવામાં આવશે. 20 થી 25 પ્લોટ પર માત્ર સિટી ફોરેસ્ટ ઉભા કરવાનો નવો વિચાર શરૂ કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં વૃક્ષારોપણનું પ્રમાણ વધે તે માટે કોર્પોરેશન દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નાકરાવાડી સહિતની જગ્યા પર વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. મિયાવાંકી પધ્ધતિથી પણ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં 25 પ્લોટનું એક અલાયદું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં માત્રને માત્ર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ જગ્યા પર પબ્લીકને અવર-જવર કરવા દેવાશે નહિં. સિટી ફોરેસ્ટ બનાવવાનો નવો વિચાર અમલમાં લાવવામાં આવશે. ગ્રીન આઇલેન્ડ બને તો તેનાથી જે વિસ્તારના તાપમાનમાં એક થી બે ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતો હોય છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર વૃક્ષોની સંખ્યા ઓછી હોવાના કારણે અહિં તાપમાનનો પારો સતત ઉંચો રહેતો હોય છે. આગામી દિવસોમાં સર્વે કરીને અહિં વૃક્ષારોપણ વધે તે માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે. હાલ જળસંચય અભિયાન પર ભાર મૂકવામાં આવી રહ્યું છે. રિચાર્જ સાથે નવા બગીચા બનાવવાની કામગીરી પણ હાથ પર લેવામાં આવશે.
- આચાર સંહિતા ઉઠતા જ પખવાડીયામાં 150થી વધુ ટેન્ડરો પ્રસિધ્ધ કરાશે
છેલ્લા બે મહિનાથી લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોવાના કારણે શહેરમાં વિકાસ કામો પર બ્રેક લાગી જવા પામી છે. અગાઉ મંજૂર થયેલા અને શરૂ થઇ ગયેલા કામો હાલ ચાલી રહ્યા છે. નવા વિકાસ કામો મંજૂર થતા નથી. આગામી ચોથી જૂને લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ છઠ્ઠી જૂને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ જશે અને આદર્શ આચાર સંહિતા ઉઠાવી લેવામાં આવશે. આચાર સંહિતા પૂર્ણ થયા બાદ કોર્પોરેશન દ્વારા એક જ પખવાડીયામાં વિવિધ વિકાસ કામો માટે 150થી વધુ ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે. ટૂંકમાં ચૂંટણી પરિણામ આવતાની સાથે જ ફરી વિકાસ કામોનો ધમધમાટ શરૂ થઇ જશે.