વોર્ડ વાઈઝ ટીમોને ફિલ્ડમાં ઉતારાઈ: સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં ૨૯૩ લોકો માસ્ક પહેર્યા વિનાનાં પકડાયા: વેસ્ટ ઝોનમાં ૨૬૨ અને ઈસ્ટ ઝોનમાં ૨૪૬ લોકો ખુલ્લા મોઢે ફરતા દંડાયા
કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા માટે માસ્ક પહેરવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. અમુક લોકો કોરોનાની ગંભીરતાને સમજતા નથી અને માસ્ક પહેર્યા વિના જ રખડતા નજરે પડે છે. જેઓ પોતાની સાથે અન્ય લોકો સામે પણ જોખમ ઉભું કરી રહ્યાં છે. આજે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી દંડ વસુલ કરવા વોર્ડ વાઈઝ ટીમોને ફિલ્ડમાં ઉતારવામાં આવી હતી જેમાં ડીએમસી, એએમસી, આસીસ્ટન્ટ મેનેજર, વોર્ડ ઓફિસર, સેનીટરી ઈન્સ્પેકટર સહિતનાં અધિકારીઓ શહેરનાં ૧૮ વોર્ડમાં ત્રાટકયા હતા અને માસ્ક નહીં પહેરનાર ૮૦૧ લોકો પાસેથી રૂા.૧,૬૦,૨૦૦નો દંડ વસુલ કર્યો હતો અને ૬૦૫ માસ્કનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટે લોકોએ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, વધુ સંખ્યામાં એકત્રિત ન થવું જેવા નિયમોનું પાલન કરવું ફરજીયાત છે.
માસ્ક નહીં પહેરનાર લોકોથી અન્ય લોકોને પણ ચેપ લાગવાની દહેશત છે જેની ગંભીરતાને ધ્યાનમાં લઈ આજથી કોર્પોરેશન દ્વારા ઝુંબેશ સ્વરૂપે કામગીરી શરૂ કરવામાં આવી છે. માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી પેનલ્ટી વસુલવા માટે વોર્ડ વાઈઝ એક-એક ટીમને ફિલ્ડમાં ઉતારવામાં આવી હતી જેમાં વોર્ડ નં.૧માં માસ્ક નહીં પહેરનાર ૫૭ વ્યકિતઓ, વોર્ડ નં.૨માં ૪૮ લોકો, વોર્ડ નં.૩માં ૧૭ લોકો, વોર્ડ નં.૪માં ૨૮ લોકો, વોર્ડ નં.૫માં ૪૫ લોકો, વોર્ડ નં.૬માં ૭૭ લોકો, વોર્ડ નં.૭માં ૮૦ લોકો, વોર્ડ નં.૮માં ૨૭ લોકો, વોર્ડ નં.૯માં ૭૧ લોકો, વોર્ડ નં.૧૦માં ૩૧ લોકો, વોર્ડ નં.૧૧માં ૪૫ લોકો, વોર્ડ નં.૧૨માં ૩૧ લોકો, વોર્ડ નં.૧૩માં ૪૭ લોકો, વોર્ડ નં.૧૪માં ૨૮ લોકો, વોર્ડ નં.૧૫માં ૨૧ લોકો, વોર્ડ ૧૬માં ૪૫ લોકો, વોર્ડ નં.૧૭માં ૩૦ લોકો અને વોર્ડ નં.૧૮માં ૩૦ લોકો જયારે જયુબેલી શાકમાર્કેટ અને મવડી શાકમાર્કેટ ખાતે ચેકિંગ દરમિયાન ૪૩ લોકો ચહેરા પર માસ્ક પહેર્યા વિનાના પકડાયા હતા જેઓની પાસેથી દંડ પેટે રૂા.૧,૬૦,૨૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
ઝોન વાઈઝ જોવામાં આવે તો સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં ૨૯૩ લોકો , વેસ્ટ ઝોનમાં ૨૬૨ લોકો અને ઈસ્ટ ઝોનમાં ૨૪૬ લોકો માસ્ક વિના પકડાયા હતા. આજે ચેકિંગ ઝુંબેશ દરમિયાન ૬૦૫ લોકોને વિનામુલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આગામી દિવસોમાં પણ માસ્ક પહેર્યા વિના નિકળતા લોકોને પેનલ્ટી ફટકારવા માટે વોર્ડ વાઈઝ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.