9 ટીમો દ્વારા સવારથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાનગી શાળાઓમાં સધન ચેકિંગ: ફાયર એનઓસી વિના ધમધમતી શાળાઓને સીલ પણ કરાશે
ફાયર એનઓસી વીના ધમધમતી શાળાઓને સીલ કરી દેવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી તાકીદ બાદ છેલ્લા ત્રણ દિવસથી કોર્પોરેશનની ફાયર બ્રિગેડ એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમીતી સંચાલીત તમામ 81 શાળાઓમાં ફાયર સેફટી અંગે ચેકિંગની કામગીરી પૂર્ણ કરાયા બાદ આજથી અલગ અલગ 9 ટીમો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખાનગી શાળાઓમાં ફાયર સેફટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 70 શાળામાં આજે ચેકિંગના લક્ષ્યાંક સામે બપોર સુધીમાં 42 શાળામાં ચેકિંગ હાથ ધરાયું હતું. જો કે એક પણ શાળામાં કોઈ ક્ષતિ જણાય ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડની ઘટના બાદ ફ ાયર બ્રિગેડ શાખા સક્રિય બની હતી અને જે તે શહેરની તમામ 450 ખાનગી શાળાઓને ફાયર સેફટીના એનઓસી મામલે નોટિસ ફટકારવામાં આવી હતી. ચેકિંગમાં એવું માલુમ પડ્યું હતું કે, 450 શાળાઓ પૈકી 120 શાળાઓ પાસે ફાયરના સાધન જ નથી. માત્ર 330 શાળાઓ ફાયરના સાધનો ધરાવે છે. અગાઉ ફાયરના સાધનો ન હોય તેવી શાળાઓને નોટિસ આપવામાં આવી હતી. દરમિયાન તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવી ટકોર કરવામાં આવી છે કે, ફાયર સેફટીના સાધન વિના ધમધમતી શાળાને સીલ કરી દેવી. બે દિવસ સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમીતીની શાળાઓમાં ચેકિંગ પૂર્ણ કર્યા બાદ આજે 9 ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં 42 ખાનગી શાળાઓમાં ફાયર સેફટીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાંજ સુધીમાં 70 શાળાઓ ચેક કરવામાં આવશે.