વેનીલા શ્રીખંડ, દ્વારકેશ, શ્રીજી આઇસ મેજીક આઇસ્ક્રીમના નમૂના લેવાયા
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના સામાકાંઠા વિસ્તારમાં આડા પેડક રોડ પર ખાણીપીણીની 18 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 6 વેપારીઓને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી હતી. બે સ્થળેથી ખાણીપીણીના નમૂના લેવામાં આવ્યા હતા.
આજે કુવાડવા રોડથી સંતકબીર રોડ સુધીના આડા પેડક રોડ વિસ્તારમાં 18 સ્થળે ચેકીંગ દરમિયાન હરે રામ, હરે ક્રિષ્ના ડેરી, હરીઓમ એજન્સી, ગણેશ પરાઠા હાઉસ, દુગાર્ર્ રેસ્ટોરન્ટ, પારસ પરાઠા હાઉસ અને ડિલક્સ પાનને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે હરે રામ, હરે ક્રિષ્ના ડેરી ફાર્મમાંથી લૂઝ વેનીલા શ્રીખંડનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન દ્વારા કુલ 17 સ્થળે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ અને 13 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જે દરમિયાન 3 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરીને 3 પેઢીને નોટિસ ફટકારવામાં આવી છે.
ગઇકાલે યાજ્ઞિક રોડ, ટાગોર રોડ, સરદારનગર મેઇન રોડ પર ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ વાન દ્વારા 18 સ્થળે ચેકીંગ હાથ ધરી 17 ખાદ્ય સામગ્રીના નમૂનાનું સ્થળ પર ચેકીંગ કરવામાં આવ્યું હતુ અને બે વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. કોઠારીયા રોડ પર શુભ રેસ્ટોરન્ટની બાજુમાં ન્યૂ શ્રીજી આઇસ્ક્રીમમાંથી શ્રીજી આઇસ મેજીક આઇસ્ક્રીમ અને ચોકો મેજીક કેન્ડીનો નમૂનો લેવામાં આવ્યો હતો.