૫૮ કિલો પ્લાસ્ટીક અને ૧૦૦ નંગ પ્લાસ્ટીકના ચાના કપ જપ્ત કરાયા
રાજકોટમાં તમામ પ્રકારના પ્લાસ્ટીકના ઉપયોગ, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે છતાં પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા વેપારીઓ પર આજે કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા તવાઈ ઉતારવામાં આવી હતી. પ્લાસ્ટીકના ઉપયોગ કરવા સબબ ૧૫૮ વેપારીઓ પાસેથી ૬૧ હજારનો દંડ વસુલ કરાયો હતો જયારે ૫૮ કિલો પ્લાસ્ટીક અને ૧૦૦ નંગ ચાના કપ જપ્ત કરવામાં આવ્યા હતા.
સેન્ટ્રલ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા આજે હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન ૫૭ આસામીઓ પાસેથી રૂ.૩૭,૭૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો અને ૩૮ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરાયું હતું. જયારે ઈસ્ટ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા ૮૦ ફુટ રીંગ, સંતકબીર રોડ, કુવાડવા રોડ, ભાવનગર રોડ અને પેડક રોડ ઉપર ૪૬ વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી રૂ.૧૦,૭૧૭નો દંડ વસુલી ૬ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક અને ૧૦૦ નંગ પ્લાસ્ટીકના ચાના કપ જપ્ત કરવામાં આવ્યા હતા.
વેસ્ટ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા રામાપીર ચોકડીથી શિતલ પાર્ક સુધી, કાલાવડ રોડ, બીગબજાર ચોક, બ્રહ્મકુંજ મેઈન રોડ, કેકેવી ચોક, રૈયા રોડ, નાનામવા રોડ સહિતના મુખ્ય વિસ્તારોમાં ૫૫ આસામીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રૂ.૧૨,૪૦૦નો વહિવટી ચાર્જ વસુલી ૧૩.૫ કિલો પ્લાસ્ટીક જપ્ત કરાયું છે.