ઝગમગતા દિવડાંઓનું. વિતેલી પળોનેં મમળાવીને માળિયે ચડાવવાનું અને અનેક નવી આશાઓનું ફોલ્ડર તૈયાર કરવાનું પર્વ એટલે દિપાવલી..! સદીઓથી ચાલી આવતી આ એક એવી આસ્થા છે જે માનવને જીવનનો નવો માર્ગ દેખાડે છે. એટલે જ તો આપણા ગુજરાતી વેપારીઓ કુબેર, દેવી લક્ષ્મિ, તથા ચોપડાંનાં પૂજન કરીને સુખ સમૄધ્ધિમાં વધારો કરવાનું સપનું સેવે છે. નાનું બાળક જેમ આકાશમાં ઉડતા વિમાનમાં બેસવા પાછળ દોડે તેમ..! દિલ હે છોટા સા મોટી સી આશા..! આપણે સુતા સમયે જાણતા નથી કે આવતીકાલે સવારે જાગવાના છીએ કે નહીં, છતાં પણ આવતીકાલનાં કામોની યાદી બનાવીને એલાર્મ મુકીએ જ છીએ ને..! આપણા પૂર્વજોએ શરૂ કરેલી દિવાળીની પરંપરાનો ગહન અર્થ સમજવા માટે શું આ ઉદાહરણો પુરતા નથી?
દેશનાં વ્યવસાયિક ક્ષેત્રએ વિક્રમ સંવત ૨૦૭૪ માં ઙગઇ, નિરવ મોદી અને મેહુલ ચોક્સીઓ જોયા છે, બેંકોની ગઙઅ અને ગઇઋઈ ની તિજોરીનાં કાંણા જોઇને વેપારીઓ થરથરી ગયા છે, ક્રુડતેલનાં ભાવ ૮૫ ડોલર થઇ આવ્યા છે, રૂપિયો ચિંથરેહાલ થયો છે. પણ આ વસમી યાદો ભુલી ને નવેસરથી શરૂ કરવા માટે જ નવું વર્ષ આવે છે ને..!ઈંધણનાં ૫૦ ટકા જેટલા ઉંચા પ્રિમીયમે લિસ્ટીંગ પણ વિતેલા વર્ષમાં જ જોવા મળ્યા છે, ચીન-અમેરિકા ટ્રેડવોરના કારણે ભારતનાં રૂની નિકાસમાં થયેલો ૪૦ ટકાનો વધારો અને કઠોળનાં બમ્પર પાકનાં કારણે આયાત પર લાદવા પડેલા નિયંત્રણો પણ વિતેલા વર્ષના કેલેન્ડરનો જ ભાગ છે. છેલ્લા બે વર્ષમાં ક્રુડતેલને બાદ કરતા અન્ય આવશ્યક ચિજવસ્તુનાં ભાવ સ્થિર રહ્યા છે. આપણે અમરિકાના દબાણ છતાં ઇરાન પાસેથી ક્રુડતેલની ખરીદી સંપૂર્ણ બંધ નહી કરવાની સાફ વાત કરાવાની હિંમત દેખાડી ચુક્યા છીએ. તેથી જ કદાચ ક્રુડતેલનાં ભાવ પાછા પટકાયા છે. બસ આજ તો છે અર્થતંત્રનો તડકો અને છાંયો.
આગામી વર્ષમાં લોકસભાની ચૂંટણીઓ બાદ નવી સરકાર આવશે, કોઇપણ આવે પણ સ્થિર આવે તે જરૂરી છે. દેશનાં વિકાસ માટે માત્ર ઉંચા ભાવ મળવા જ જરૂરી નથી હોતા, જો આયાત કરતા નિકાસ વધારે હોય, ખર્ચ કરતા આવક વધારે હોય અને ખાસ તો વેપારી પ્રમાણિક હોય તો સૌને રામ રાજ્યનો એહસાસ થઇ શકે છે. આપણે સરકારો પાસેથી પ્રમાણિકતાની આશા રાખીએ તો ખુદને પ્રમાણિક બનવાની જરૂર નથી?
દવાની બોટલમાં ખાવાનું તેલ લાવવા મજબુર થતા દેશના એ પરિવારો પ્રત્યે આપણી કોઇ જવાબદારી નથી? આપણે સૌએ એ માટે સહિયારા પ્રયાસો કરવા પડશે. નેતાઓએ પોતાના પરિવારજનો કે મતવિસ્તારનાં નાગરિકોથી ઉપર વિચારીને સમાજનાં કાર્યો કરવા પડશે. કોર્પોરેટોએ પોતાની કંપનીની જ નહીં પણ દેશની બેલેન્શીટ મજબુત થાય તેવા પ્રઝન્ટેશન બનાવવા પડશે. દર બે વર્ષ નવા મોડેલની ગાડીઓ લેતા અમીરોએ પણ પોતાની ગાડીમાં અન્યોને બેસાડીને પેટ્રોલની બચત કરવી પડશે. જો આટલું થશે તો આગામી દાયકામાં નવિન ભારતનું નિર્માણ થઇ શકશે. આજે ફિલ્મનાં દ્રશ્યોની ઝડપે અર્થવ્યવસ્થા બદલાઇ રહી છૈ ત્યારે સમય સાથે આપણે પણ ઝડપી બનવું પડશે. ઔદ્યોગિક ક્ષેત્ર અને સર્વિસ સેક્ટરની સાથે કૄષિક્ષેત્રને જીવંત રાખવા ટેકા આપવા પડશે.
વર્તમાન સરકારે મેક ઇન ઇન્ડિયાનું સુત્ર તો આપ્યું છે પણ હજુ આ ઝુંબેશ ગતિ પકડી શકી નથી. આમેય તે સરકારની પોલીસી કામ કરતા માર્કેટિંગ વધારે કરવાની છે. જે સ્પીડે માર્કેટિંગ થઇ રહ્યું છે તે સ્પીડે જ્યારે કામ શરૂ થશે ત્યારે વિકાસીત દેશોની યાદીમાં ભારતનું નામ ટોચ પર હશે. વિકાસની આ ઇમારતમાં એક ઇંટ આપણે પણ મુકવી પડે. જેના માટે સૌનો સંકલ્પ જરૂરી છે.
આવો નવા વર્ષે આપણે આ સંકલ્પ કરીએ, નવા વર્ષે અમે પણ વાચકોને નૂતન વર્ષાભિનંદન પાઠવીએ છીએ અને વિક્રમ સંવત ૨૦૭૫માં આપની તમામ મનોકામનાઓ પુરી થાય તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.