શાસક પાંખ જ્યાં બેસે છે તે બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફલોર અને પદાધિકારીઓની ચેમ્બરની બહાર લોબીમાં મોટાપાયે રીનોવેશન કરાયું: કામ પૂર્ણતાના આરે
રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં શાસક પાંખ જ્યાં બેસે છે તે બિલ્ડીંગમાં લાખો રૂપિયાના ખર્ચે રીનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે જે હવે પૂર્ણતાના આરે છે. બિલ્ડીંગને કોર્પોરેટ લુક આપી દેવામાં આવ્યો છે. રીનોવેશન થયેલું બિલ્ડીંગ હવે નવા પદાધિકારીઓને આવકારવા માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. કામ પૂર્ણતાના આરે છે. એકાદ-બે દિવસમાં મોટાભાગનું કામ પૂર્ણ થઈ જશે.
ેઢેબર રોડ પર આવેલી કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં છેલ્લા ઘણા સમયથી રીનોવેશનની કામગીરી ચાલી રહી છે. ગત ૧૪મી ડિસેમ્બરના રોજ બોડીની મુદત પૂર્ણ થતાંની સાથે જ રીનોવેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં શાસક પાંખ જ્યાં બેશે છે તે બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફલોરથી માંડી બીજા માળ સુધી રીનોવેશન કરવામાં આવી રહ્યું છે. ગ્રાઉન્ડ ફલોર પર લોખંડની ગ્રીલની જગ્યાએ લાકડાના સુશોભીત દરવાજા મુકવામાં આવ્યા છે જેનો હોટલ જેવો લુક આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત કોર્પોરેશન કચેરીએ આવતા લોકોને માહિતી મળી રહે તે માટે એક જનસેવા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે જેને કોર્પોરેટ કચેરી જેવો લુક આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ પીલરને લાકડાથી મઢી દેવામાં આવ્યા છે. પ્રથમ માળે જ્યાં મેેયર, ડે.મેયર અને સ્ટે.કમીટીના ચેરમેનોની બેઠકો આવેલી છે ત્યાં પણ મોટાપાયે રીનોવેશ કરવામાં આવ્યું છે અને એક વેઈટીંગ ગેલેરી મુકવામાં આવી છે. પદાધિકારીને મળવા આવતા લોકોને લોબીમાં ઉભુ રહેવું ન પડે તે માટે ખુરશી રાખવામાં આવશે અને આ ગેલેરીમાં રાજકોટની શાન ગણાતા અલગ અલગ ફોટોગ્રાફ મુકવામાં આવશે, અહીં એક નોટિસ બોર્ડ પણ રાખવામાં આવ્યું છે. પ્રથમ માળે પણ મોટાભાગના પીલરને લાકડાથી મઢી દેવામાં આવ્યા છે અને પીઓપીથી છત પણ સુશોભીત કરી દેવામાં આવી છે.
ગઈકાલે મહાપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં આજથી સેક્રેટરી બ્રાંચના કર્મચારી દ્વારા પદાધિકારીઓની ચેમ્બરની સફાઈ ચાલુ કરવામાં આવી હતી. જે લાઈટો બંધ હતી તેને પણ બદલાવી નાખવામાં આવી છે.
ટૂંકમાં નવા પદાધિકારીઓને આવકારવા માટે કોર્પોરેશનની કચેરી સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે. કચેરીને કોર્પોરેટ લુક આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મ્યુનિ.કમિશનરની ચેમ્બરમાં પણ મોટાપાયે રીનોવેશનની કામગીરી થોડા સમય પહેલા જ પૂર્ણ કરવામાં આવી છે અને તે ચેમ્બર પણ હવે કોર્પોરેટ ઓફિસ જેવી બની જવા પામી છે.