બે મોબાઇલ લાઇબ્રેરી યુનિટ દ્વારા એક સોસાયટીમાં 10 થી 15 સભ્યો બનતા ઘરઆંગણે અપાઇ છે સેવા
અબતક-રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત બહેનો તથા બાળકો માટેના ફરતા પુસ્તકાલયોની સેવાઓ કોરોનાને લીધે દોઢ વર્ષથી બંધ કરવામાં આવેલ હતી, જે સેવાઓ થોડા સમયથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવેલ છે. જેના દ્વારા શહેરનાં અલગ અલગ વિસ્તારમાં બહેનો તથા બાળકોને પોતાના ઘરઆંગણા સુધી પુસ્તકોની સેવા પૂરી પાડવામાં આવે છે.
હાલ આ બહેનો તથા બાળકો માટેના બે ફરતા પુસ્તકાલયથી પુસ્તક સેવાઓ આપી રહ્યા છે. જેમાં મોબાઈલ લાઈબ્રેરી યુનિટ નંબર 1 શહેરના જુદાજુદા 42 સોસાયટી વિસ્તારમાં સેવાઓ આપી રહ્યું છે.
જેમાં 23351 પુસ્તકો તથા 4242 સભ્યો નોધાયેલા છે. જયારે મોબાઈલ લાઈબ્રેરી યુનિટ 2 શહેરના 41 સોસાયટી વિસ્તારમાં સેવાઓ આપે છે. જેમાં પણ 20384 પુસ્તકો તથા 3448 સભ્યો નોધાયેલા છે.
આ સેવાનો લાભ લેવા 10 થી 15 સભ્યો જો એક વિસ્તાર કે સોસાયટીમાં બને તો ત્યાં આ સેવાઓનો લાભ આપવામાં આવે છે, આ સેવાઓનો શહેરના દુરના વિસ્તારોની સોસાયટીનાં બહેનો તથા બાળકો લાભ મેળવે તેવી રાજકોટ મહાનગરપાલિકા તરફથી અપીલ કરવામાં આવે છે. શહેરની સોસાયટી વિસ્તારમાં આ સેવાનો લાભ લેવા ફોન નં. 0281- 2228240 પરથી માહિતી મેળવી શકાશે.