મેરા દેશ બદલ રહા હૈ… બાબુશાહીની વહીવટી પ્રક્રિયા સરળ કરવા માટે ખાનગી નિષ્ણાંતોને કામે લગાડવાના સરકારના નિર્ણયથી દેશને આગળ લઈ જવા માટે ઈન્ટેલેચ્યુઅલ પ્રોપર્ટી બૌદ્ધિક કૌશલ્યનો સુનિયોજીત ઉપયોગ કરવાના સરકારના અભિગમથી વહીવટી ક્ષેત્રે એક નવી ક્રાંતિનું સર્જન થશે. મોદી હૈ તો મુમકીન હૈ…ની ઉક્તિ અને ગુડ ગવર્નન્સ, ગુડ ગવર્ર્મેન્ટના સિદ્ધાંતનું હવે સુનિયોજીત રીતે પાલન થશે. વહીવટ પ્રક્રિયાને નવા પરિવર્તન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હિંમતભર્યા પગલાઓમાં વધુ એકનો ઉમેરો થઈ રહ્યો છે. સરકારના વિવિધ વિભાગોમાં ખાનગી નિષ્ણાંતોને સરકારી સેવામાં જોડવાની પ્રક્રિયા હવે અમલીય બનશે. દેશની વહીવટી ગતિવિધિઓને નવો વેગ આપવાના પ્રયાસમાં કોર્પોરેટ જગતના નિષ્ણાંત બુદ્ધિજીવીઓને સરકારી વિવિધ વિભાગોમાં સેક્રેટરી અને ડાયરેકટરના પદ ઉપર સવેતન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. અત્યારે ‘રાજના કામમાં ઉતાવળ ન હોય’ તેવી પરિસ્થિતિમાં બાબુશાહીથી સરકારની વહીવટી ગતિવિધિ ઘરડાના ગાડાની જેમ ધીમે ધીમે ચલાવવાની જે પ્રથા ઉભી થઈ છે તેનાથી સરકારના વિવિધ વિભાગોમાં ફાઈલોના ઢગલા અને પ્રજાના કામોમાં ખુબજ ઢીલી ગતિએ કામ થતું હોવાની સમસ્યાના ચારેબાજુ ગંજ ખડકાયેલા છે ત્યારે ભારતના આર્થિક-સામાજિક-રાજકીય અને વહીવટી પરિમાણોને વૈશ્ર્વિક સ્તરના કોર્પોરેટ જગતનો ટચ આપવાના અભિગમ સાથે ભારતને વિશ્ર્વ ગુરૂ બનાવવા નરેન્દ્ર મોદીના પ્રયાસોમાં વધુ એક ક્ષેત્રનો ઉમેરો થઈ રહ્યો છે. દેશના સરકારી વિભાગમાં બાબુશાહીના દૌરને ખત્મ કરવા માટે બાબુશાહીના ભારણથી અટકી ગયેલા વિકાસને વેગવાન બનાવવા હવે જાહેર ક્ષેત્રના નિષ્ણાંત લોકોને નિમણૂંકો માટે માર્ગ ખુલી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા વહીવટી સુધારણાના લેવાઈ રહેલા નિર્ણયમાં ઈન્ટેેલેચ્યુઅલ પ્રોપર્ટી બૌદ્ધિક બુદ્ધિ ધનના ઉપયોગનો અભિગમ દેશને નવી દિશા આપશે.
એવું નથી કે ભારતમાં બિનસકારી બૌધિકનો ઉપયોગ ફળદાયી નિવડ્યો નથી. આજે જે મોબાઈલ ટેકનોલોજીમાં ભારતમાં હરણફાળ ભરી છે તે માટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ભારતના ટેલીકોમના વિકાસ માટે વિદેશી ઉદ્યોગપતિ શામ પિત્રોડાને ભારતમાં લાવીને આ નવી પહેલ કરી હતી. રાજકીય રીતે જોવા જઈએ તો દેશના સફળ અર્થશાસ્ત્રી અને નિવડેલા વડાપ્રધાન ડો.મનમોહનસિંઘ પણ રાજકારણ માટે આયાતી હતી. મનમોહનસિંઘના નાણાકીય આર્થિક તજજ્ઞન્તાનો ઉપયોગ દેશને મળી રહે તે માટે તેમને વડાપ્રધાન બનાવાયા હતા. વિશ્ર્વ આખામાં જ્યારે મંદીએ હાહાકાર મચાવી દીધો અને અમેરિકામાં સદીઓ જૂની આર્થિક સંસ્થાઓ મંદીના પુરમાં તણખલાની જેમ તણાઈ ગઈ ત્યારે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંઘના નેતૃત્વથી દેશને ઘણો લાભ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોર્પોરેટ જગતના નિષ્ણાંતોને દેશના વહીવટી ઈતિહાસમાં હવે કોર્પોરેટ જગતના નિષ્ણાંતોને વહીવટી કમાન સોંપવાના સરકારના પ્રયાસોથી રાજકીય શાસન વ્યવસ્થામાં પણ કોર્પોરેટ ટચ આવી જશે. કામમાં ગતિ અને ગતિશિલતા બન્ને માટે બિનસરકારી તજજ્ઞોની સેવા દેશ માટે નવી દિશા અંકિત કરશે.