મવડી, વાવડી, રૈયા અને ભગવતીપરા વિસ્તારમાં ચાલતી 18 આવાસ યોજનાનું કામ વિલંબમાં: અગાઉ કોન્ટ્રાક્ટરોને બિલ મૂક્યાના પખવાડીયામાં પેમેન્ટ કરી દેવાતુ, હવે અઢી મહિને પણ નાણાં ન ચૂકવાતા હોવાની ઉઠતી ફરિયાદો: સ્થિતિ વધુ વિકટ બને તેવી પણ દહેશત
અબતક, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની પોતિકી કહી શકાય તેવી એકમાત્ર આવક ટેક્સની રહી છે. ચાલુ નાણાંકીય વર્ષમાં ટેક્સ બ્રાન્ચને રૂા.340 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેની સામે પ્રથમ ત્રણ મહિનામાં માત્ર 161 કરોડની આવક થવા પામી છે. જેના કારણે હાલ મહાપાલિકાની તીજોરી તળીયા ઝાટક થઇ ગઇ છે. જેમતેમ કરી પગારના ચુકવણા કરવામાં આવી રહ્યા છે. શહેરમાં અનેક મોટા પ્રોજેક્ટો ધમધમી રહ્યા હોય જેના પર આર્થિક કટોકટીની અસર પડી રહી છે. લેઇટ પેમેન્ટના કારણે આવાસ યોજનાના મોટાભાગના કામો ખોરવાઇ ગયા છે. ઘરનું સ્વપ્નુ સેવતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને હવે ક્યારે આવાસ યોજના મળશે તે કહેવું મુશ્કેલ બની ગયુ છે. બીજી તરફ આર્થિક કટોકટીના કારણે બ્રિજના સહિતના અનેક પ્રોજેક્ટો પણ વિલંબમાં પણે તેવી દહેશત ઉભી થવા પામી છે.
શહેરના મવડી, વાવડી, રૈયા અને ભગવતીપરા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા અંદાજે 450 કરોડના ખર્ચે 10,000થી પણ વધુ આવાસ યોજના બનાવવામાં આવી રહ્યા છે. અલગ-અલગ કેટેગરીના આવાસ બનાવવાનો કોન્ટ્રાક્ટ અલગ-અલગ 3 એજન્સીઓને આપવામાં આવ્યો છે. મોટાભાગની આવાસ યોજનાનું ખાતમુહુર્ત વર્ષના આરંભે કરવામાં આવ્યુ હતું. અગાઉ મહાપાલિકા દ્વારા બિલ મુક્યાના 15 થી 20 દિવસમાં કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ચૂકવી દેવામાં આવતું હતું. પરંતુ હાલ તીજોરીની સ્થિતિ થોડી નબળી હોવાના કારણે એજન્સીને બિલ મૂક્યાના અઢી મહિના પછી પણ પેમેન્ટ ચુકવવાનું આવતુ નથી. બીજી તરફ બિલ્ડીંગના રો-મટીરીયલના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે જેના કારણે કોન્ટ્રાક્ટરને અગાઉ ઉધાર મળતો માલ બંધ થઇ ગયો છે. લેઇટ પેમેન્ટ અને રો-મટીરીયલના ભાવમાં આવેલા તોતીંગ વધારાના કારણે હાલ આવાસ યોજનાના કામની ગતિ થોડીક મંદ પડી જવા પામી છે.
અલગ-અલગ 18 સાઇટ પર બની રહેલા આશરે 10,000થી વધુ આવાસનું બાંધકામ જે માર્ચ-2022 થી ડિસેમ્બર-2022 સુધીમાં પૂર્ણ થઇ જવાની અવધી છે. તે હાલ લેઇટ પેમેન્ટના કારણે ખોરંભે ચડેલા કામને કારણે 6 મહિના મોડું પુરું થાય તેવી દહેશત પણ જણાઇ રહી છે. બીજી તરફ બ્રિજ સહિતના મોટા પ્રોજેક્ટના કામમાં પણ ભેદી ઢીલ આવી ગઇ છે. આર્થિક કટોકટીના કારણે મહાપાલિકાના અલગ-અલગ પ્રોજેક્ટ પર વિપરિત અસર પડી રહી છે.
ન્યૂ રાજકોટમાં 4 બ્રિજના નિર્માણ કામમાં પણ ભેદી ઢીલ!
દિવાળી બાદ મજૂરો આવ્યા ન હોવાના કારણે બ્રિજનું નિર્માણ કામ ધીમું ચાલી રહ્યાનું અપાતુ કારણ પરંતુ વાસ્તવિકતા અલગ
કોર્પોરેશન હાલ જબરી આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યુ છે. જેની સિધી અસર વિકાસ કામો પર પડી રહી છે. લેઇટ પેમેન્ટના કારણે આવાસ યોજનાના કામો ખોરવાઇ ગયા છે. બીજી તરફ ન્યૂ રાજકોટમાં કાલાવડ રોડ અને 150 ફૂટ રીંગ રોડ પર નિર્માણાધીન 4 બ્રિજના બાંધકામમાં પણ ભેદી ઢીલ દાખવવામાં આવી રહી છે. કાલાવડ રોડ પર કે.કે.વી. ચોકમાં હયાત બ્રિજ પર સેક્ધડ લેવલ ઓવરબ્રિજ, જડુસ ચોકમાં ઓવરબ્રિજ, રામાપીર ચોકડી પાસે અને નાનામવા સર્કલ પાસે કરોડોના ખર્ચે બ્રિજ બની રહ્યા છે. ગત 1 જાન્યુઆરીના રોજ આ બ્રિજનું ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતું. 11 મહિના વિતી ગયા હોવા છતાં માત્ર 23% જેટલી જ કામગીરી થવા પામી છે. એક જ એજન્સીને ચારેય બ્રિજનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. દિવાળીના તહેવાર બાદ મજૂરો સમયસર હાજર થયા ન હોવાના કારણે બ્રિજનું નિર્માણ કામ ધીમી ચાલી રહ્યુ છે. તેવું સત્તાવાર કારણ આપવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા અલગ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. બ્રિજના કોન્ટ્રાક્ટરને સમયસર પેમેન્ટ ચુકવવામાં ન આવતુ હોવાના કારણે કામ ખોરવાયું હોવાનું મનાઇ રહ્યુ છે.