શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ, દીવાન હાઉસિંગ ફાઇનાન્સ,. એચડીએફસીએ છેલ્લા કેટલાક દિવસમાં ચોક્કસ મુદતની થાપણના વ્યાજદરમાં ૦.૦૫-૦.૫ ટકા સુધીનો વધારો કર્યો
થાપણદરમાં વૃદ્ધિને કારણે કોર્પોરેટ ડિપોઝિટ પ્રચલિત બની રહી છે. ઊંચું વળતર મેળવવા ઇચ્છુક નાના રોકાણકારો આ કોર્પોરેટ થાપણમાં રોકાણ કરશે એવી ધારણા
ઘટી રહેલા વ્યાજદરથી પરેશાન થાપણદારોના ચહેરાની ચમક ધીમેધીમે પાછી આવી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં બેન્કો અને નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિના કારણે બચત પરનું વળતર બે-ત્રણ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું છે.
એક ડેટા પ્રમાણે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ, દીવાન હાઉસિંગ ફાઇનાન્સ,. એચડીએફસીએ છેલ્લા કેટલાક દિવસમાં ચોક્કસ મુદતની થાપણના વ્યાજદરમાં ૦.૦૫-૦.૫ ટકા સુધીનો વધારો કર્યો છે. આગામી સમયમાં થાપણદરમાં વધુ વૃદ્ધિની શક્યતાને પગલે બેન્કો અને NBFCs માટે ભંડોળની પડતર મોંઘી થવાનો અંદાજ છે. બેન્કો વ્યાજદર વધારી રહી છે ત્યારે કંપનીઓએ સ્પર્ધાત્મક રહેવું જરૂરી છે. તેને લીધે ટોચનું રેટિંગ ધરાવતી કંપનીઓને નાણાકીય વર્ષની શરૂઆતથી વ્યાજદર વધારવાની ફરજ પડી છે. કોર્પોરેટ ડિપોઝિટ સ્કીમ્સના વ્યાજદરમાં ૦.૫-૧ ટકાની રેન્જમાં વધારો નોંધાયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
આગામી કેટલાંક સપ્તાહમાં વધુ કંપનીઓ વ્યાજદર વધારે તેવી શક્યતા છે. ભારતની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFCએ કોર્પોરેટ ડિપોઝિટના દરમાં ૦.૨૦ ટકાનો વધારો કર્યો છે. રિટેલ રોકાણકારો માટે પણ કંપની વ્યાજદર વધારે તેવી શક્યતા છે.
મહિન્દ્રા ફાઇનાન્શિયલે ત્રણ, ચાર અને પાંચ વર્ષની મુદતની ડિપોઝિટના વ્યાજદર ૦.૫ ટકા તેમજ એક-બે વર્ષની કોર્પોરેટ FDsના દર ૦.૨૦-૦.૨૫ ટકા વધાર્યા છે. શ્રીરામ ટ્રાન્સપોર્ટે એકથી પાંચ વર્ષની મેચ્યોરિટીની થાપણના દરમાં ૦.૧૫-૦.૨૫ ટકાની રેન્જમાં વધારો કર્યો છે.
એક અહેવાલના જણાવ્યા મુજબ થાપણદરમાં વૃદ્ધિને કારણે કોર્પોરેટ ડિપોઝિટ પ્રચલિત બની રહી છે. ઊંચું વળતર મેળવવા ઇચ્છુક નાના રોકાણકારો આ કોર્પોરેટ થાપણમાં રોકાણ કરશે એવી ધારણા છે. તેને લીધે NBFCsને સરળતાથી રિટેલ ભંડોળ ઉપલબ્ધ બનશે.
શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સની પાંચ વર્ષની થાપણ પર ૮.૨૫ ટકા વ્યાજ મળે છે, જે SBIની સમાન મુદતની FD કરતાં ૧.૫ ટકા વધુ છે. મહિન્દ્રા ફાઇનાન્સ ત્રણ અને ચાર વર્ષની ડિપોઝિટ પર ૮.૦૫ ટકા વ્યાજ ઓફર કરી રહી છે. દીવાન હાઉસિંગ ફાઇનાન્સની ચાર વર્ષની ડિપોઝિટનો દર પણ આટલો જ છે. કંપનીઓ સિનિયર સિટિઝનને ડિપોઝિટના દર કરતાં ૦.૨૫-૦.૪૦ ટકા ઊંચું વળતર આપે છે. જેમ કે, દીવાન હાઉસિંગ ફાઇનાન્સની ડિપોઝિટ પર સિનિયર સિટિઝનને ૦.૧૫ ટકા વધુ મળે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,