શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાનાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. વોર્ડ નં.૧૨નાં કોંગી કોર્પોરેટર વિજય વાંક અને તેમનાં ધર્મપત્ની પણ ડેન્ગ્યુનાં સકંજામાં ફસાયા છે. તેઓને સારવાર માટે શહેરનાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલી સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ બંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
વોર્ડ નં.૧૨નાં કોંગી કોર્પોરેટર વિજયભાઈ વાંકનાં ધર્મપત્ની અંજુબેનને ડેન્ગ્યુ થયો હોય તેઓ ડો.બુઘ્ધદેવ પાસે સારવાર લઈ રહ્યા હતા દરમિયાન વધુ સારવાર માટે તેઓને ગઈકાલે સવારે સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોર્પોરેટર વિજય વાંકને પણ છેલ્લા ચાર દિવસથી તાવ આવતો હોય અને ડેન્ગ્યુની અસર જણાતા આજે સવારે તેઓને પણ સારવાર માટે સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પારીવારીક સુત્રોનાં જણાવ્યા અનુસાર હાલ બંનેની તબિયત સ્થિર છે. શહેરમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે. ઓકટોબર માસમાં રેકોર્ડબ્રેક કેસો નોંધાયા છે. કોર્પોરેટરો સાથે અધિકારીઓ પણ ડેન્ગ્યુમાં સપડાયા છે. ઘેર-ઘેર માંદગીનાં ખાટલા પડયા છે. છેલ્લા ચાર દિવસથી કોર્પોરેશન દ્વારા ડેન્ગ્યુનાં દૈનિક આંકડાઓ પણ જાહેર કરવામાં આવ્યા નથી.