ગાઇડલાઇનના પાલન સાથે 25 ફેબ્રુઆરીથી પાંચ દિવસ સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાશે: સત્તાવાર જાહેરાત
અબતક, રાજકોટ
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને મંજૂરી આપવામાં આવી છે. કોરોના ઓસરતા તંત્રએ આ છૂટ જાહેર કરી છે. જેથી હવે ગાઇડલાઇનના પાલન સાથે 25 ફેબ્રુઆરીથી પાંચ દિવસ સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાશે તેવી સત્તાવાર જાહેરાત થઈ છે.
કલેકટર રચિત રાજ અને આગેવાનો તથા સાધુ-સંતોની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં કોરોના ગાઇડલાઇનના પાલન સાથે તા. 25 ફેબ્રુઆરીથી પાંચ દિવસ સુધી મહાશિવરાત્રીનો મેળો યોજવા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મેળાના આયોજન માટે કલેકટરના અધ્યક્ષસ્થાને જુદી-જુદી સમિતિની રચના કરવામાં આવી છે.
જુનાગઢમાં ભવનાથ તળેટી ખાતે મહાવદ નોમથી મહાશિવરાત્રીનો મેળો યોજાઇ છે. આ મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. પરંતુ કોરોનાને કારણે 2 વર્ષથી મહાશિવરાત્રીના મેળાનું આયોજન થતું ન હતું. આ વર્ષે સરકારની વખતો વખતની કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ મેળો યોજવા અંગે તથા આયોજન માટે કલેકટરની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
ભવનાથમાં યોજાતા મહાશિવરાત્રીના મેળાના આયોજન અંગે હકારાત્મક નિર્ણય લેવામાં આવતા મેળા સંબંધિ તૈયારીઓની તજવીજ હાથ ધરવામાં આવી છે. અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને જુનાગઢના પ્રભારી મંત્રી અરવિંદભાઇ રૈયાણીની આગેવાનીમાં જુનાગઢ ભાજપ પ્રમુખ પુનીતભાઇ શર્મા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન હરેશભાઇ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટભાઇ ભીંભા, દંડક અરવિંદભાઇ ભલાણી સહિતનાએ મેળો યોજવા માટે મંજૂરી માંગી હતી અને કોરોના ગાઇડ લાઇન મુજબ મેળો યોજવાની ખાત્રી આપી હતી.