કોરોનાએ એક તબીબનો પણ લીધો ભોગ: તબીબોમાં શોક

શહેર-ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના વધુ ૮૭ પોઝિટિવ કેસ

જામનગર સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ ૬ દર્દીએ છેલ્લા ર૪ કલાક દરમિયાન જી.જી. હોસ્પિટલના બિછાને દમ તોડ્યો છે. જેમાં જામનગર શહેરના પ અને ગ્રામ્ય વિસ્તારના એક દર્દીનો સમાવેશ થાય છે, જ્યારે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં શહેરી વિસ્તારના ૭૮ દર્દી અને ગ્રામ્ય વિસ્તારના ૯ મળી ૮૭ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જે એક દિવસનો સૌથી વધુ આંકડો છે, જ્યારે એક દિવસમાં રેકોર્ડબ્રેક કહી શકાય એટલા ૧૧પ દર્દીઓની તબિયતમાં સુધારો થતા હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જામનગર શહેરના પાંચ દર્દીઓ અને ગ્રામ્ય વિસ્તારના એક દર્દી સહિત કુલ ૬ દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતાં, જેથી જામનગરમાં કોરોનાનું તાંડવ યથાવત્ રહ્યું છે. સાથોસાથ મૃત્યુ દર વધતો જતો હોવાથી લોકોમાં ભયનો માહોલ છે.

જામનગરના જ એક ખાનગી તબીબ ડો. વિરેન્દ્ર બુચ (ઉ.વ. ૭૬) નું કોરોનાના કારણે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જેથી તબીબી વર્તુળમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. જામનગર શહેરમાં ગુરુવારે એકીસાથે વધુ ૭૮ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી જામનગર શહેરમાં ભયનો માહોલ યથાવત્ રહ્યો છે. જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧,૮૪ર નો થયો છે, જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૯ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી ગ્રામ્ય વિસ્તારનો આંકડો ૩૦૩ નો થયો છે. સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ર,૧૪પ ની થઈ છે. જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓના રિકવરી રેટમાં પણ વધારો જોવા મળ્યો છે અને છેલ્લા ત્રણ દિવસથી દાખલ થયેલા દર્દીઓ કરતા ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી રેકોર્ડબ્રેક કહી શકાય એટલા એકીસાથે ૧૧પ દર્દીઓએ કોરોનાને માત આપી છે. તમામ દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેઓને રજા આપવામાં આવી છે. જેમાં જામનગર શહેરના ૯પ અને ગ્રામ્ય વિસ્તારના ૧પ દર્દીઓનો સમાવેશ થાય છે.

સામાજીક અંતર, સમય મર્યાદા સહિતના નિયમોનું કડક પાલન કરાવતું તંત્ર

આવેદનપત્ર આપવા ગયેલા સામે પણ કાર્યવાહી

જામનગરના જુદા-જુદા વિસ્તારોમાં ગઈકાલે પોલીસે સોશ્યલ ડિસ્ટન્સ અને સમય મર્યાદાનો ભંગ કરતા વેપારીઓ તેમજ કારણવગર આંટા મારતા શખ્સો સામે ગુન્હા નોંધ્યા છે. ઉપરાંત આવેદનપત્ર આપવા ગયેલા અગ્રણીઓ સામે પણ કાયદાના ભંગ અંગે કાર્યવાહી કરાઈ છે.

જામનગર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા અનલોક-૩ માં વેપારીઓ તેમજ નાગરીકોને આપવામાં આવેલી છૂટછાટનો કરાતો ભંગ પકડવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે જામનગરના કિશાન ચોકમાં રહેતા રફીક યુનુસ ગોધાવીયા, ખોજાનાકાવાળા અકબર અબ્દેલ ખફી, ગોકુલનગર વાળા રમેશ મોહનભાઈ પાણખાળીયા, રામદેભાઈ નારણભાઈ આહિર, અશોક માધાભાઈ પટેલ નામના વેપારીઓ સમય મર્યાદાનો ભંગ કરી પોતાની દુકાન ખુલી રાખી વેપાર કરતા મળી આવ્યા હતાં.

નગરના શંકર ટેકરી વિસ્તારમાં ઈસ્માઈલ હારુન ગઢકાઈ, તારમામદ સોસાયટીમાં મહમદ યુસુફ ચાકી, રામેશ્વરનગરમાં ગંગારામ હિમ બહાદુર નેપાળી, ઢીચડાવાળા ઈકબાલ ઉમર સુમરા, ખોડીયાર કોલોની વાળા ડાયાભાઈ વિરજીભાઈ સતવારા, દિપક અશોકભાઈ સિંધી, આરામ કોલોની વાળા યોગેશ શરદભાઈ દરજી, હવાઈ ચોકવાળા હિતેષ નરોતમદાસ કનખરા, નરેન્દ્ર ભગવાનદાસ દામા, દિપક રમેશચંદ્ર આહિયા, રંગમતી સોસાયટી વાળા યુસુફ ઈશાક શેખ અને પટેલ પાર્ક પાછળ વૃંદાવન સોસાયટીવાળા રમેશ હેમનદાસ બજાજ નામના વેપારી સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ઝડપાયા હતા.

કારણવગર રોડ પર ઉભેલા મનસુખભાઈ વાલાભાઈ રાઠોડ, પીઠાભાઈ ભીમાભાઈ રાઠોડ, ચનાભાઈ ભીમાભાઈ, નિલેશ ચનાભાઈ તેમજ સંજય ગોવિંદભાઈ આહિર, સાદીક નુરમામદ, મોહનલાલ રામકુવર, જ્ઞાનપ્રસાદ જયપ્રસાદ, હરીભાઈ ભાયાભાઈ ભરવાડ નામના શખ્સો પકડાયા હતાં. જયારે ગઈકાલે જિલ્લા સેવા સદનમાં એનએસયુઆઈના પ્રેસીડેન્ટ તૌસીફખાન પઠાણ, અસલમ ખીલજી, આનંદ ગોહિલ સહિતના વ્યકિતઓ આવેદનપત્ર આપવા ગયેલા હતા ત્યારે તેઓએ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા તેઓની સામે ગુન્હો નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.