શહેરી વિસ્તારમાં કોરોનાના નવા કેસનું પ્રમાણ ઘટયું
જામનગરમાં છેલ્લા ર૪ કલાકમાં કુલ ૯ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે, તો નવા વધુ ૯૪ દર્દીઓનો ઉમેરો થયો છે, જો કે રિકવરી રેઈટ પણ ઊંચો રહ્યો છે. ગઈકાલે ૧૧૪ દર્દીઓની તબિયત સારી થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
લાંબા સમયથી કોરોના કહેર યથાવત જળવાતા લોકોની હાલત કફોડી બની રહી છે, જો કે છેલ્લા ચાર-પાંચ દિવસથી શહેરી વિસ્તારમાં નવા કેસનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં નવા કેસોનું પ્રમાણ વધ્યું છે. ગઈકાલે જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૬ અને ગ્રામ્ય વિસ્તારના ર૮ મળી કુલ ૯૪ લોકો કોરોના સંક્રમિત બન્યા હતાં, જ્યારે શહેરી વિસ્તારના ૭પ અને ગ્રામ્ય વિસ્તારના ૩૯ મળી કુલ ૧૧૪ દર્દીઓની તબિયત સારી થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જો કે સત્તાવાર રીતે જાહેર થયેલા આંકડામાં જિલ્લામાં એક પણ દર્દીનું મૃત્યુ નિપજ્યું નથી, પરંતુ હકીકતે છેલ્લા ર૪ કલાકમાં સરકારી હોસ્પિટલમાં આઠ અને ખાનગી હોસ્પિટલમાં એક મળી કુલ નવ દર્દીના મૃતયુ નિપજ્યા હતાં.
જામનગર શહેરી વિસ્તારના ર૪૯ અને ગ્રામ્ય વિસ્તારના ૬૩ મળી જિલ્લામાં કુલ ૩૧ર એક્ટિવ કેસ છે જે આગલા દિવસની સરખામણીએ કેસ ઓછા છે. ગઈકાલ સુધીમાં ૧,૬૭,૮૬૭ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
જૈન અગ્રણીના પત્ની કોરોનાગ્રસ્ત
જામનગરના વણિક સમાજના આગેવાન કે. ડી. શેઠના ધર્મપત્ની ભાનુબેન શેઠને કોરોના લાગુ પડ્યો છે અને હાલ તેઓ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભાનુબેન શેઠ છેલ્લા પાંચેક દિવસથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે અને વેન્ટીલેટર ઉપર છે. ભાનુબેન ધાર્મિક પ્રવૃત્તિમાં વધુ આસ્થા ધરાવે છે અને દાન-ધર્માદા માટે તેઓ સારી નામના ધરાવે છે.
માસ્ક ન પહેરનારા ચાર સામે કાર્યવાહી
જામનગરમાં ગઈકાલે ૫ોલીસે ખોડિયાર કોલોનીથી એમ્યુઝમેન્ટ પાર્ક રોડ પર કરેલા પેટ્રોલીંગમાં નિલેષ બનેસંગ કેર નામનો શખ્સ માસ્ક પહેર્યા વગર મળી આવતા પોલીસે તેની સામે ગુન્હો નોંધ્યો હતો. જયારે કાલાવડ શહેરમાંથી અસલમ રજાક પીંજારા, વેજાણંદ શંખરાજ ચારણ અને જામજોધપુરમાંથી રસીક વીરાભાઈ પરમાર માસ્ક પહેર્યા વગર નીકળતા પોલીસે કાર્યવાહી કરી હતી.