ડ્રોન કેમેરાની મદદથી જાહેરનામા ભંગના 1432 કેસ કરવામાં આવેલા: હોમ ક્વોરેન્ટાઈન વ્યક્તિ ઘરે જ રહે તે માટે ખાસ સેફ રાજકોટએપમાં હાજરી પુરાતી
પ્રજાજોગ સંદેશ પોલીસના ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ તથા ટ્વીટર પર રોજેરોજ અપલોડ કરાતા
કોરોનાના પ્રથમ કેસને એક વર્ષ પૂર્ણ થયું છે, લોકડાઉન અને અનલોકના નિયોમોની અમલવારીનો ચુસ્તપણે પાલન કરાવવા માટે ટેક્નોસેવી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને તેમની ટીમ દ્વારા લેવામાં આવેલ વિવિધ પગલાંઓ સાથોસાથ ટેક્નોલોજીનો કરવામાં આવેલ ઉપયોગ ખાસ પ્રભાવી રહ્યો હતો.
રાજકોટ શહેરમાં કોઈ જગ્યા બાકી ન રહી જાય અને પોલીસ દ્વારા કાયદાનો અમલ કરાવી શકાય, તે માટે સમગ્ર રાજ્યમાં પ્રથમવાર એક નવતર પ્રયોગ હાથ ધરી ડ્રોન કેમેરાની મદદથી શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં લોકડાઉનનો ભંગ કરતા ઇસમોને શોધી તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસ કરવામાં આવ્યા. તમામ લોકડાઉનમાં ડ્રોન કેમેરાની મદદથી 1432 કેસ કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં સૌપ્રથમવાર રાજકોટ શહેરમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા લાઉડસ્પીકર સહીતના ડ્રોન કેમેરાના ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકડાઉનના કડક પાલન ઉપરાંત લોકોને આ લાઉડસ્પીકર દ્વારા ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવતી, અને જો તેનું પાલન નહી કરવામાં આવે તો તેઓ વિરુદ્ધ ગુનો દાખલ થશે તેવી ચેતવણી પણ આ માધ્યમથી આપવામાં આવેલી. લાઉડ સ્પીકર સહીતનું આ ડ્રોન શહેરના વિવિધ વિસ્તારોમાં ઉડાડવામાં આવેલ હતું અને તેની મદદથી લોકોને સૂચના આપવામાં આવેલ હતી.
રાજકોટ શહેર ખાતે જે લોકોને હોમ ક્વોરંટાઈન હોઈ તેવા લોકો પર સતત વોચ રાખવા રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા સેફ રાજકોટ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી. નજીકના બીટ ઇન્ચાર્જ દ્વારા આવા હોમ ક્વોરંટાઈન કરેલ લોકો પર દર બે કલાકે આવા લોકોને હાજરી પુરવા અંગે જણાવેલ અને તે અંગેની સમજ કરવામાં આવી હતી. આજના આધુનિક યુગમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા એક નવીન અભિગમ અને ટેક્નોલીજીનો ઉપયોગ કરી ક્વોરંટાઈન રહેલ લોકો માટે સેફ રાજકોટ એપ્લીકેશન લોન્ચ કરી એક નવીનતમ અને અસરકારક માર્ગ અપનાવેલ છે.
તમામ 1 થી 4 લોકડાઉનમાં રાજકોટ શહેર પોલીસના ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ તથા ટ્વીટરના માધ્યમથી સંદેશા,વીડીયો,નોંધાયેલ કેસો અંગેની આંકડાકીય માહીતી તેમજ ઉચ્ચ અધિકારીના પ્રજાજોગ સંદેશ રોજેરોજ અપલોડ કરી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રવર્તમાન સંજોગોથી લોકોને અવગત કરવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ, ટ્વિટર જેવા સોશીયલ મીડીયાના માધ્યમથી સમાજમાં ખોટી અફવા ફેલાવતા એકાઉન્ટ બંધ કરાવી પ્રજાને ગેરમાર્ગે દોરતા અટકાવવાની સાયબર સેલ દ્વારા મહત્વની ભૂમિકા ભજવી હતી.અમુક લેભાગુ તત્વો દ્વારા લોકોને લોકડાઉન દરમિયાન પેટીએમ,એમેઝોન,ફ્લિપકાર્ટ જેવી પ્રખ્યાત ડિજિટલ પેમેન્ટ કંપનીના માધ્યમથી લાલચ આપી છેતરપીંડી કરતાં હોવાની ફરીયાદ પરથી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચના પર, સાયબર ક્રાઈમ પોલીસ મથકે આવી છેતરપિંડી અટકાવવા માટે 51 જેટલા મોબાઇલ નંબરો ઓળખી કાઢી અને બંધ કરાવ્યા હતા.
પોલીસ દ્વારા લોકડાઉન 1 થી 4 અને અનલોક સમયે નિયમોની અમલવારીમાં કોઈ કચાસનો રહી જાય તેના માટે માનવીય અભિગમ સાથે કરવામાં આવેલી કામગીરી અને તેમાં ટેક્નોલોજિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ મહત્વનો સાબિત થયો હતો.