બે ન્યાયધીશ કોરોના સંક્રમિત: મુખ્યમંત્રીના આદેશ બાદ ટેસ્ટીંગમાં વધારો:વધુ ૩૯ કોરોના પોઝિટિવ નોંધાયા
રાજકોટમાં દિવસે ને દિવસે કોરોનાનો હાહાકાર વધતો જાય છે. શહેરની જુદી જુદી કોવિડ હોસ્પિટલમાંથી એક જ દિવસમાં વધુ ૧૨ કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નિપજયા છે. સુપર સ્પ્રેડર શોધવાની કામગીરી બાદ મુખ્યમંત્રીના આદેશથી ટેસ્ટીંગનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. ત્યારે આજરોજ વધુ ૩૯ પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા ૧૧૭૩ પર પહોંચી છે. આજરોજ થયેલા ૧૨ મોતમાંથી ૯ સિવિલ હોસ્પિટલમાં અને અન્ય ત્રણ ખાનગી હોસ્પિટલોમાં થયા છે. રાજકોટ ન્યાયાલયના બે જજ કોરાના સંક્રમિત થયા છે. જેમાં એડીઆરના જજ અને ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટના રિપોર્ટ કોરાના પોઝિટિવ આવ્યા છે.
રાજકોટમાં સુપર સ્પ્રેડરથી કોરોના પોઝિટિવ કેસના દર્દીઓની સંખ્યા જેટ ગતિએ વધી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રભરના જિલ્લામાંથી કોરોનાની સારવાર લેવા આવતા દર્દીઓ અને રાજકોટ શહેરી વિસ્તાર અને જિલ્લાના દર્દીઓના મોત પણ ટપોટપ થવા લાગ્યા છે. એક જ રાતમાં રાજકોટના ૫ સહિત કુલ ૧૨ દર્દીના મોત થયા છે. જેમાં રાજકોટ જિલ્લા ગાર્ડન પાસે રહેતા દિનેશભાઈ જાદવ (ઉ.૩૫), પોપટપરાના જયસુખભાઈ કોટક (ઉ.૬૦), રાજકોટના વલ્લભભાઈ સરવૈયા (ઉ.૭૨), હુસેનાબેન ચૌહાણ (ઉ.૫૭), ધ્રુવનગરના ઝુબેદાબેન હારૂનભાઈ વિંધાણી (ઉ.૬૨), મવડી પ્લોટના વિનોદભાઈ લક્ષ્મીદાસ આશર (ઉ.૬૭), પુનિતનગરના કાંતિભાઈ અઘેરા (ઉ.૫૪), નાળોદા નગરના જેઠાભાઈ પરમાર (ઉ.૫૫), ગોંડલ તાલુકાના ખાંડાધારના ગીરધરભાઈ લખતરીયા (ઉ.૬૮), જસદણ લતીપુરના રળીયતબેન વેકરીયા (ઉ.૬૫), વઢવાણના રજનીકાંતભાઈ ધંધુકીયા (ઉ.૫૭) અને ખાનગી હોસ્પિટલ માં એક દર્દીએ ચાલુ સારવારમાં દમ તોડતા આજરોજ કુલ ૧૨ દર્દીઓને કોરોના ભરખી ગયો છે.
કોરોનાની પરિસ્થિતિ વકરતા જ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બે દિવસ પહેલા રાજકોટ આવી કલેકટર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મળી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને કોરોનાના સેમ્પલીંગ ટેસ્ટ વધારવા માટે સુચનો કર્યા હતા. ત્યારે ગઈકાલે કલેકટર દ્વારા શહેર અને જિલ્લા માટે ૫૦,૦૦૦ એન્ટીજન કીટ મંગાવવાનું નક્કી કરાયું છે. ત્યારે ગઈકાલે એક દિવસમાં આરોગ્ય વિભાગ દ્વારા ૫૦૦થી વધુ સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં રાતના ૯ વાગ્યા સુધીમાં ૬૨ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. સેમ્પલના ટેસ્ટ અને પોઝિટિવ દર્દીનો રેશીયો ૧૧.૬૭ ટકા જેટલો રહ્યો હતો અને ગઈકાલે વધુ ૨૯ કોરોના ગ્રસ્ત દર્દીઓએ વાયરસને મહાત આપી જિંદગીની જંગ જીતી હતી. આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા બપોરે ૧૨ વાગ્યા સુધીમાં સેમ્પલીંગનો ટેસ્ટ વધારવામાં આવતા અને સુપર સ્પ્રેડરની શોધખોળમાં કરવામાં આવતા ટેસ્ટમાંથી વધુ ૩૯ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે. અત્યાર સુધી શહેરમાં કુલ ૧૧૭૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ૫૨૬ જેટલા દર્દીઓએ કોરોનાને મહાત આપતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા કોરોનાના મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી કુલ ૯૫૦૦ જેટલા સેમ્પલીંગ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેનો પોઝિટિવ રેટ ૩૮ ટકા જેટલો રહ્યો છે અને અત્યાર સુધીમાં રિકવરી રેટ ૪૪.૮૪ ટકા રહેવા પામ્યો છે.