મૃત્યુદરમાંપણ ઘટાડો: વડોદરા-2, ભરૂચ અને પોરબંદરમાં 1-1 દર્દી ના મોત: 902 દર્દીઓએ આપી કોરોનાને મ્હાત: 3925 એક્ટિવ કેસ
અબતક-રાજકોટ
રાજ્યમાંથી હવે કોરોના ઉભી પૂંછડીએ ભાગતો દેખાઈ રહ્યો છે. જેમાં ગઈ કાલે માત્ર 367 કેસ પોઝિટિવ નોંધાયા છે. તો બીજી તરફ મૃત્યુદરમાં પણ ઘટાડો થતા રાહતના શ્વાસ લેવાયા છે. ગઈ કાલે વધુ 902 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો હાલ રાજ્યમાં 3925 એક્ટિવ કેસ છે.
ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે. જેમાં 22મી ફેબ્રઆરીના રોજ કોરોના નવા 367 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે ચાર લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 161, વડોદરામાં 87, ગાંધીનગરમાં 15, બનાસકાંઠામાં 14, સુરતમાં 9, આણંદ, રાજકોટમાં 8, તાપી ભરૂચ, દાહોદ, પાટણમાં 7 કેસ નોંધાયા, સાબરકાંઠામાં 6, ભાવનગરમાં 4 કેસ, નોંધાયા છે, ડાંગ, જામનગર અને મહેસાણામાં 3 કેસ નોંધાયા છે.જ્યારે અરવલ્લી, ખેડા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગરમાં 2-2કેસ નોંધાયા છે. છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાનાથ, મહીસાગર માં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં આજે અમરેલી, ભાવનગર, બોટાદ, જામનગર, જૂનાગઢ જિલ્લો, જૂનાગઢ શહેર જિલ્લો, નર્મદા, પંચમહાલ, પોરબંદરમાં કોરોનામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો.રાજ્યમાં એક્ટિવ કેસનો ઘટીને 3925 પર પહોંચી ગયો છે. આ પૈકી ફક્ત 36 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે આજે વડોદરા શહેરમાં 2, ભરૂચમાં 1, પોરબંદરમાં 1 મળીને કુલ 4 મોત થયા છે.રાજ્યમાં 902 દર્દી સાજા થયા છે જ્યારે કુલ 1,86,089 લોકોનું રસીકરણ થયું છે. ગુજરાતનો કોરોના વાયરસનો રિકવરી રેટ 98.79 ટકા છે.
રાજકોટમાં કોરોનાના દર્દીને પોર્ટેબલ હોસ્પિટલમાં દાખલ કરાશે: સુપર સ્પેશિયાલિટી વિભાગ ટુક સમયમાં શરૂ થશે
રાજકોટ શહેરમાં કોરોના હવે નામશેષ થવા તરફ છે તેવામા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી પણ કોરોનાને હટાવવા માટે નિર્ણય લેવાયો છે. હવે કોરોનાના દર્દીઓને ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં ઊભી કરાયેલી ઈન્ફ્લેટેબલ હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ કેસથી જ કોરોનાની સારવાર ચાલી રહી છે. આ માટે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી બનાવેલી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરાઈ હતી. હોસ્પિટલમાં તમામ સુવિધાઓ છે પણ તેનો મૂળ હેતુ એટલે કે સુપર સ્પેશિયાલિટી સેવાઓનો છે તે પાર પડતો ન હતો. કેસ હવે ઘટી રહ્યા છે તેમજ 5 જ દર્દી સારવાર હેઠળ હોવાથી તેમજ ઈન્ફ્લેટેબલ હોસ્પિટલ ખાલી હોવાથી પાંચ દર્દીને ઈન્ફ્લેટેબલ હોસ્પિટલમાં શિફ્ટ કરાશે અને નવા દર્દીઓને પણ હવે તેમાં જ દાખલ કરાશે. આ કારણે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નેફ્રોલોજી, પ્લાસ્ટિક સર્જરી, કેથલેબ સહિતની સેવાઓ શરૂ કરાશે.