રાજકોટમાં કોરોના વિસ્ફોટ: વધુ ૪૧ પોઝિટિવ, કુલ કેસ ૨૨૨૮
રાજકોટમાં કોરોના પોઝીટીવ કેસની સાથે સાથે મૃત્યુમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. ગઈકાલ રાતથી આજ સુધીમાં રાજકોટ શહેરનાં વધુ ૮ કોરોનાગ્રસ્ત દર્દીઓ સહિત કુલ ૧૪ દર્દીઓએ સારવારમાં દમ તોડતા હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે આજરોજ વધુ કોરોનાના ૪૧ પોઝીટીવ કેસ નોંધાતા શહેરમાં કુલ કેસની સંખ્યા ૨૨૨૮ ઉપર પહોંચી છે. કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા તબીબો પણ કોરોનાની ઝપટે ચડયા છે.
રાજકોટની જુદી-જુદી કોવિડ હોસ્પિટલોમાં ગઈકાલ રાતથી અત્યાર સુધી ફરી કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું હોય તેમ વધુ ૧૪ દર્દીઓએ સારવારમાં દમ તોડયો છે જેમાં રાજકોટનાં માનસરોવર પાર્કમાં રહેતા ભગાભાઈ જસાભાઈ માલણ (ઉ.વ.૯૬), સત્યમ પાર્કનાં જગદીશભાઈ વણમાળીદાસ ધંધુકીયા (ઉ.વ.૭૮), સુભાષનગરનાં ગંગાબેન પ્રભાતભાઈ સોલંકી (ઉ.વ.૬૫), મનહર પ્લોટનાં વિજયભાઈ કાંતીભાઈ ભટ્ટ (ઉ.વ.૭૩), રાજકોટનાં દામજીભાઈ રાયચુરા, ગાયત્રીનગરનાં કુમારભાઈ સંઘાણી (ઉ.વ.૮૧), પેડક રોડ પરના સમજુબેન ભીખાભાઈ નાથાણી (ઉ.વ.૬૨) જયારે અન્ય શહેરોમાં ઉપલેટાનાં હંસાબેન હેમતભાઈ માકડિયા (ઉ.વ.૬૫), અહેમદભાઈ મકરાણી (ઉ.વ.૭૮), વઢવાણનાં જુબેદાબેન બાબુભાઈ વડદરીયા (ઉ.વ.૭૯), ધોરાજીનાં કિરણબેન જમનભાઈ સાંગાણી (ઉ.વ.૫૨), કચ્છનાં કિર્તીકુમાર હરજીવનભાઈ ભોગાયતા (ઉ.વ.૫૦) અને જામનગરનાં ચતુરભાઈ અમરશીભાઈ ગોહિલ (ઉ.વ.૬૫)નું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજયાનું જાણવા મળ્યું છે.
રાજકોટમાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. ગઈકાલે નોંધાયેલા ૬૫ પોઝીટીવ કેસ બાદ આજરોજ વધુ ૪૧ પોઝીટીવ કેસ નોંધાયા છે. હવે માત્ર આમ જનતા જ નહીં પરંતુ કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા ખાનગી હોસ્પિટલનાં ત્રણ તબીબ અને એમ્બ્યુલન્સનાં ડ્રાઈવર પણ કોરોનાની ઝપટે ચડી ચુકયા છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૨૨૨૮ ઉપર પહોંચી છે.
શહેરમાં વધતી જતી કોરોનાની મહામારી સામે લડવા મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ મનપા કમિશનર દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે કે, કોરોના વાયરસ અંગેના લક્ષણો જણાય તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા તો ધન્વંતરી રથમાં પ્રાથમિક સારવાર લઈ આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવે. આ સાથે હાલના તબકકામાં મનપા દ્વારા હોમ આઈસોલેશન સારવાર પણ શરૂ કરવામાં આવી છે. હોમ આઈસોલેશન બાબતે કોઈપણ દર્દીને તકલીફ હોય તો પોતાના વોર્ડનાં આરોગ્ય કેન્દ્રનાં મેડિકલ ઓફિસર તથા મહાનગરપાલિકાનાં કંટ્રોલરૂમનો સંપર્ક સાધવા જણાવ્યું છે.
સિવિલમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધાના મોત બાદ ઘરેણાં ગૂમ થયાનો મામલો
સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ કોરોનાની સારવાર માટે દાખલ થઈ રહ્યા છે ત્યારે ગઈકાલે શહેરના ઘાચિવાડ વિસ્તારમાં રહેતા હમીલાબેન યુનુષભાઈ ઢાંકવાલાનામના ૬૨ વર્ષના વૃદ્ધાનું કોરોનાની સારવારમાં મોત નિપજ્યું હતું. ત્યારે સિવિલ સ્ટાફમાંથી કોઈ વ્યક્તિએ આવીને તેમના સ્વજનોને ઘરેણાં સોંપ્યા હતા. પરંતુ વૃદ્ધા જ્યારે સારવાર માટે દાખલ થયા ત્યારે તેઓએ બંગડી, નથણી, બુટિયા પહેર્યા હતા. પરંતુ કોઈ વ્યક્તિ ફક્ત બંગડી અને તાવીજ આપી જતાં પરિવારજનોએ હોબાળો મચાવી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ પોલીસ તપાસ બાદ મહિલા કર્મચારીએ સ્વીકાર્યું હતું કે પોતે વૃદ્ધાના ઘરેણાં ઉતારી કોઈને હાથવગા આપ્યાનું જણાવ્યું હતું. પરંતુ કોને આપ્યા તે અંગે હજુ પણ પોલીસ તપાસ ચાલી રહી છે.
સેન્ટ્રલ જેલમાં કોરોના વિસ્ફોટ : ૨૪ કેદીઓ સંક્રમિત
રાજકોટ સેન્ટ્રલ જેલમાં કોરોનાની મહામરીની શરૂયાતથી જ તંત્ર દ્વારા તમામ તકેદારી રાખવા છતાં પેરોલ પરથી પાછા આવતા કેદીનો રિપોર્ટ કરાવતા તેને કોરોના પોઝિટિવ આવ્યો હતો. સાથે જ બેરેક નમ્બર ૫માં રહેલા અન્ય ૯૪ કેદીઓને પણ રિપોર્ટ કરવામાં આવતા વધુ ૨૩ દર્દીઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળતા તુરંત જ તમામ કેદીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે કેદીને સારવારની જરૂર હોવાથી તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને અન્ય ૨૨ કેદીઓને ફેસિલિટી ક્વોરેન્ટાઈન માટે રેન બસેરામાં દાખલ કરવામાં આવ્યા હતા.
૨૨ કેદીઓને રેન બસેરા ખાતે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા તે દરમિયાન કેદીઓને કલાકો સુધી બહાર બસ માંજ બેસાડવામાં આવ્યા હતા. જેને લઈ હોબાળો થતા રેન બસેરામાં થોડા દિવસ પહેલા અન્ય કેદીએ ચોથા માળેથી ઝંપ લાવી આપઘાત કરતા બારીનું રીપેરીંગ કામ ચાલુ હોવાથી એન્ટ્રી ન આપ્યાનો બચાવ કરવામાં આવ્યો હતો. પૂરતી તકેદારી છતાં પણ જેલમાં કોરોના વિસ્ફોટ થતા કેદીઓમાં અને તંત્રમાં ફફડાટ મચી જવા પામ્યો છે.