લોકલ સંક્રમણ કરતા ભેદી સંક્રમણ વધી રહ્યું હોવાની ભીતિથી લોકોમાં ભયનો માહોલ
આખા ગુજરાતમાં ક્યાંય નથી એવું ભેદી સંક્રમણ જામનગરમાં શરૂ થયું છે. જામનગર શહેરમાં જ તાજેતરમાં કોરોના પોઝિટિવ આવેલા યુવાનનો એવો ત્રીજો કિસ્સો છે, જેને ચેપ ક્યાંથી લાગ્યો એનો તાળો મળ્યો નથી. દરેડ અને ધ્રોલના ખારવાના બાળક બાદ જામનગરનો યુવાન કોરાના મહામારીનો શિકાર કેવી રીતે બન્યો તેની હીસ્ટ્રી મળી નથી.
દરેડમાં ૧૧ મહીનાના બાળકનો કોરોના રિપોર્ટ પોઝીટી આવતા પ્રથમ કેસ નોંધાયો હતો. પરંતુ આ બાળકને કોરોનાનો ચેપ કયાંથી લાગ્યો તેની હીસ્ટ્રી હજુ સુધી મળી નથી. આવી જ રીતે ખારવા ગામે પણ બાળક કોરોના સંક્રમીત થયું હતું. આ બાળકને પણ કોરોનાનો ચેપ કયાંથી લાગ્યો તેની હીસ્ટ્રી મળી નથી. જામનગરમાં ગંજીવાડા વિસ્તારમાં રહેતો ૧૮ વર્ષના નેપાળી યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
આ યુવાન છૂટક નાસ્તાની રેંકડી ચલાવતો હોય બે મહીનાથી ધંધો બંધ હોય તેને કયાંથી ચેપ લાગ્યો તેની હીસ્ટ્રી હજુ મળી નથી. આથી શહેરમાં કોરોનાનું ભેદી સંક્રમણ વધી રહ્યું હોવાની ભીતિથી ભય ફેલાયો છે.
યુવાનના પરિજનો તથા આજુ બાજુમાં રહેતા અન્ય નેપાળી લોકો, ત્રણબતી વિસ્તારમાં હોટલમાં તેના પિતા નોકરી કરતા હોય તે હોટલના માલિક અને તેનો પરિવાર સહીત ૨૨ લોકો યુવાનના સીધા સંપર્કમાં આવ્યો હોય તમામને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
યુવાનના પિતા ત્રણ બતી વિસ્તારમાં આવેલી હોટલમાં નોકરી કરતા હોય અને આ યુવાન પણ બે-ત્રણ દિવસ સતત આ વિસ્તારમાં આવ્યો હોવાથી ગુરૂવારે આ વિસ્તાર સીલ કરાયો હતો. જો કે, યુવાનના પિતાનો રિપોર્ટ નેગેટીવ આવતા હવે આ વિસ્તાર ખોલી નખાશે.