અબતક, ઈંગ્લેન્ડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમાનારી પાંચમી ટેસ્ટ મેચને હાલ રદ્ કરવામાં આવી છે. ચોથા મેચ દરમિયાન જ કોચ રવિ શાસ્ત્રીને કોરોના થયો હતો. જોકે, ટીમના તમામ ખેલાડીનો ટેસ્ટ નેગેટિવ આવતા મેચ રમાય તેવી શક્યતા હતી. પરંતુ ઈંગ્લેન્ડ આ મેચને રદ્ કરવાનો મત ધરાવતું હતું. જોકે, આ અંગે બીસીસીઆઈની સત્તાવાર જાહેરાત બાકી છે. એટલું જ નહીં, ટેસ્ટ સીરિઝના પરિણામ પરથી પણ હાલ પડદો નથી ઉંચકાયો. આ મેચનું આયોજન આવતા વર્ષે પણ થાય તો પણ નવાઈ નહીં.

આ પહેલા ગુરુવારે ECB અને BCCI વચ્ચે ટીમ ઇન્ડિયાના બીજા ફિઝિયો યોગેશ પરમારના કોરોના પોઝિટિવ આવવા અંગે બેઠક યોજાઇ હતી. યોગેશ પરમાર કોરોના પોઝિટિવ આવ્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ છઝ-ઙઈછ ટેસ્ટ પણ કરાવ્યો હતો, જેમાં બધાનું પરિણામ નેગેટિવ આવ્યું હતુ. જોકે તેના બાદ પણ કોરોનાની સમસ્યા ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ પર મંડરાઇ રહી હતી.

ભારતના ફિઝિયો કોરોનાની ઝપટે આવતા લેવાયો નિર્ણય: ટેસ્ટ સિરિઝના પરિણામ પર પડદો

બીસીસીઆઈએ ખેલાડીઓ સાથે મેચ રદ કરવી કે કેમ તે મામલે ચર્ચા કરી હતી. જેમાં ટેસ્ટને રદ્ કરવાને બદલે મોડી રમવામાં આવે તેવું સૂચન થયું હતું. જેથી બીસીસીઆઈ ટેસ્ટ મોડી શરુ કરવા પર સહમત થયું હતું. જોકે, આ મેચને આખરે રદ્ કરવાનો નિર્ણય કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, જો આ ટેસ્ટ મેચ ૨૪ કલાક મોડી ઠેલાય તો પણ તેની સીધી અસર યુએઈમાં શરુ થનારી આઇપીએલ પર પડી શકે છે. ફ્રેન્ચાઈઝી છેલ્લા ત્રણ સપ્તાહથી યુએઈમાં છે. પાંચમી ટેસ્ટ રમીને ખેલાડીઓ જેવા દુબઈ પહોંચે કે તરત જ તેઓ બાયો બબલમાં રહી શકે તેની તમામ તૈયારી પણ કરી દેવાઈ છે.

એટલું જ નહીં, આઇપીએલના બ્રોડકાસ્ટ પ્લાન, ફાઈનાન્સ અને કોમર્શિયલ સ્ટ્રેટેજી પણ તૈયાર છે. તેની સાથે સંકળયેલા લોકોનું માનીએ તો હવે તેના શિડ્યૂલમાં કોઈ ફેરફાર કરવો શક્ય નથી. આઈપીએલને પણ મોડી યોજી શકાય તેમ નથી, કારણકે તેના તુરંત બાદ આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપ શરુ થઈ રહ્યો છે.આ બધા વચ્ચે જો પાંચમી ટેસ્ટને એક દિવસ માટે પણ પાછી ઠેલવામાં આવી તો તેની અસર ઘણી મોટી હશે. બીજી તરફ, ટીમના ખેલાડીઓ પોતાની આસપાસ ૪૮ કલાકમાં કેટલાક કોરોનાના કેસ આવ્યા હોવાનું જાણતા હોવાથી તેઓ કોઈ જોખમ લેવા તૈયાર નથી. તેવામાં ખેલાડીઓ અને તેમના પરિવારજનોની સલામતીને ધ્યાનમાં રાખતા આખરે આ ટેસ્ટને પડતી મૂકવામાં આવી છે.

આ બાબતો સાથે સંકળાયેલા લોકોનું પણ કહેવું છે કે ખેલાડીઓની સલામતી સાથે કોઈ ચેડા ના થઈ શકે. વળી, આ ટ્રીપમાં તેઓ પોતાના પરિવાર સાથે આવ્યા છે. તેવામાં જો ટેસ્ટ પોસ્ટપોન ના થઈ શકતી હોય તો તેને કેન્સલ કરી દેવી જોઈએ. એટલું જ નહીં, કોરોના ઈન્ફેક્શન લાગ્યાના કેટલાક ચોક્કસ સમય બાદ ફેલાતો હોવાનો ડર પણ ખેલાડીઓને સતાવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.