બપોર સુધીમાં વધુ ૩૭ પોઝિટિવ કેસો નોંધાતા આંકડો ૭૦૦૦ની નજીક પહોંચ્યો
શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું હોવાના સંકેતો મળી રહ્યાં છે. ગઈકાલે ૧૨ દિવસ બાદ પોઝિટિવ કેસનો આંક ત્રિપલમાંથી ડબલ ડિઝીટમાં નોંધાયો હતો. કાલે દિવસ દરમિયાન કુલ ૮૬ પોઝિટિવ કેસ નોંધાયા હતા. દરમિયાન આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં વધુ ૩૭ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૭૦૦૦ નજીક પહોંચી જવા પામી છે. કોરોનાના કેસ ઘટી રહ્યાં છે જેની સામે રિકવરી રેટમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. આજે કોવિડ અને નોન કોવિડથી રાજકોટ શહેર અને જિલ્લામાં ૮ વ્યક્તિના મોત નિપજયા હોવાનું જાહેર કરાયું છે.
ગત ૨૪મી સપ્ટેમ્બરથી ૫મી ઓકટોબર સુધી સતત ૧૨ દિવસ સુધી શહેરમાં કોરોના પોઝિટિવ કેસ રોજ ૧૦૦થી ઉપર નોંધાતા હતા. દરમિયાન ગઈકાલે કુલ ૮૬ પોઝિટિવ કેસો નોંધાતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. આજે બપોર સુધીમાં વધુ ૩૭ પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસ ૬૯૫૭ એ પહોંચ્યા છે. ૫૭૮૪ લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે. આજે રિકવરી રેટ ૮૩.૫૯ ટકાએ પહોંચ્યો છે. આજ સુધીમાં કુલ ૨,૬૯,૧૬૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પોઝિટિવિટી રેટ ૨.૬૬ ટકા જેવો છે. ક્રિસ્ટલમોલ પાસે આર.કે.પાર્ક, અરીધવા રોડ પર સૂર્યોદય સોસાયટી, ભવનાથ પાર્ક, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ભારતીનગર, રાજમોતી મીલ પાસે શ્રમજીવી સોસાયટી, રૈયા રોડ પર નહેનગર, ચંદનપાર્ક, વિદ્યાકુંજ મેઈન રોડ પર શ્રી કોલોની, બીગબજાર પાસે ગુરુદેવ પાર્ક-૨ સહિતના વિસ્તારોને માઈક્રો ક્ધટેઈનમેન્ટઝોન જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લામાં ૮ વ્યક્તિના કોવિડ અને નોનકોવિડથી મૃત્યુ નિપજયા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આજની તારીખ ૧૫૬૩ બેડ ખાલી છે. કોરોનાનું સંક્રમણ શહેરમાં ધીમે ધીમે ઘટી રહ્યું છે. આ ઉપરાંત તાવ, શરદી-ઉધરસ જેવા લક્ષણ ધરાવતા વ્યક્તિઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે જે એક સારી બાબત છે.