ગોંડલના યુવરાજ હિમાંશુસિંહજીની શહેરમાં સંપૂર્ણ લોકડાઉનની અપીલ
કોરોનાની બીજી લહેર ભયંકર સ્થિતિ સર્જી રહી છે ત્યારે આયુર્વેદિક દવા, ઉકાળા, ઘરગથ્થુ ઉપચાર કરવા પ્રજાજનોને અનુરોધ
ગોંડલ રાજવી પરિવાર હરહંમેશા પ્રજાના સુખે સુખી અને પ્રજોના દુ:ખે દુ:ખી હોય છે. હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિ છે ત્યારે ગોંડલ રાજવી પરિવારના યુવરાજ હીમાંશુસિંહજી એ જે લોકો સમગ્ર પંથકમાં મૃત્યુ પામ્યા છે તેમનો શોક વ્યક્ત કર્યો છે. આ સાથે આ પરિસ્થિતિમાં જે ડોક્ટર્સ તથા પેરામેડીકલ સ્ટાફ તથા સફાઈ કર્મચારી અને આ ક્ષેત્રમાં જોડાયેલા તમામ કોરોના યોદ્ધાઓ 24 કલાક મહેનત કરી માનવ જીવન બચાવવાના અગાથ પ્રયત્ન જીવના જોખમે કરે છે તેવા દરેક વ્યક્તિને અભિનંદન પાઠવ્યા હતા.
આ સાથે ગોંડલના પ્રજાજનોને ખાસ કરીને અપીલ કરી કે કોરોનાની બીજી લહેર અતિશય ભયંકર સ્થિતિ સર્જી છે ત્યારે લોકોએ પોતેજ પોતાના પરિવારનું ધ્યાન રાખવુ હિતાવહ છે. લોકોએ ખાસ કરીને સરકારની સંપુર્ણ ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ તથા આપણી આયુર્વેદીક દવા તથા ઉકાળા અને ઘરગથ્થુ ઉપચાર પણ કરવા જોઈએ.
તેમણે ગોંડલના વેપારી મહામંડળ તથા ચેમ્બરના હોદ્દેદારો અને વેપારીને પણ અપીલ કરતા જણાવ્યું કે, સ્વૈચ્છિક લોકડાઉન ઘણા બધા શહેરોમાં શક્ય બન્યું છે અને ખાસ કરીને કોરોનાની ચેઇન તોડવામાં કારગર સાબિત થયું છે તેમાંથી પ્રેરણા લઇ હાલની વિકટ પરિસ્થિતિમાં ગોંડલમાં સંપુર્ણ લોકડાઉન માટે અપીલ કરી છે.
અંતમાં ગોંડલ યુવરાજ હીમાંશુસિંહજીએ જણાવ્યું કે રાજવી પરિવાર હંમેશા ગોંડલના પ્રજાજનો સાથે છે અને રહેશે અને ઈશ્વરને પ્રાર્થના કરી કે આ આપતી ની ઘડીમાંથી જલ્દી લોકો બહાર આવે.