રૂ.194.8 લાખ કરોડની જગ્યાએ 197.5 લાખ કરોડ ૠઉઙનો લક્ષ્યાંક પૂર્ણ કરાશે
કોરોના મહામારીએ જે સ્થિતિ ઉભી કરી તેનાથી આર્થિક ફટકો પડવો સ્વાભાવિક છે, એનો મતલબ એ નથી કે ભારતીય અર્થતંત્ર પડી ભાંગ્યું !!
રાજકોષીય અને નાણાંકીય તરલતાથી અર્થતંત્રની ગાડી ફરી પૂરપાટ ઝડપે દોડશે: આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમ
કોરોનાને કારણે વિશ્ર્વભરમાં છવાયેલી મહામારીએ દરેક ક્ષેત્રે ગંભીર અસરો ઉભી કરી છે. એમાં પણ આર્થિક ક્ષેત્રે પડેલી નકારાત્મક અસરોને કારણે વિશ્ર્વ આખાને ફટકો પડયો છે. અમેરિકા, રશિયા અને બ્રિટન જેવા ભલભલા વિકસિત દેશોને પણ માર પડયો છે. પરંતુ જો વસ્તી, વિસ્તાર સહિતના પરિબળોને આવરી વાત કરવામાં આવે તો ભારતે મહામારીનો સામનો મજબૂતાઈ ભેર કર્યો છે. પાકિસ્તાન જેવા દેશોને તો પડયા પર પાટુ જેવી સ્થિતિ ઉભી થઈ છે. પણ આ સરખામણીએ ભારતની સ્થિતિ ઘણી સારી છે એમ કહી શકાય. તાજેતરમાં મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રમણ્યમે આર્થિક રીપોર્ટ જારી કર્યો છે. જેમાં ગત અને આગામી નાણાંકીય વર્ષ દરમિયાન ભારતીય અર્થતંત્રનો વિકાસ અને વૃધ્ધિનો ચિતાર આલેખાયો છે. કોરોનાની વૈશ્ર્વિક મહામારીથી દેશના અર્થતંત્રને ફટકો જરૂર પડયો છે. પણ દેશઆમાંથી ઝડપથી ઉભરી રહ્યો છે. કોરોનાની બીજી લહેર ભલે ખતરનાક સાબિત થઈ પણ અર્થતંત્રને ઉની આંચ નહીં આવે તેમ મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે જણાવ્યું છે.
વર્ષ 2020-21ના નાણાંકીય વર્ષમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ જીડીપીમાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળ કોરોના મહામારી જવાબદાર છે. તેનાથી સૌ કોઈ જાણકાર છે. મહામારીના આવા કપરાકાળમાં વિશ્ર્વના ભલભલા દેશોને આર્થિક ફટકો પડયો છે. અને તે સ્વાભાવિક પણ છે. આજ રીતે ભારતને પણ ખરાબ, પડકારજનક સ્થિતિમાં નુકશાન થવું એ સ્વાભાવિક વાત છે.પરંતુ શું આનાથી એ માની શકાય કે ભારતીય અર્થતંત્ર પડી ભાંગ્યું ?? ઈકોનોમી મરણ પથારીએ આવી ગઈ ?? નહીં, આમ માની લેવું મુર્ખાઈ છે. કોરોનાની મહામારી આવી અને નુકશાની વેઠવી પડી એ વાત ચોકકસ છે. પણ આ નુકશાનીને કેમ ઓછામાં ઓછી કરી અર્થતંત્રને વધુ પ્રભાવિત થતા રોકવું એ મહત્વપૂર્ણ છે. અને આ તરફ કેન્દ્રની મોદી સરકાર અને રીઝર્વ બેંકએ કામ કર્યુ છે. કારણ કે દક્ષિણ એશિયાઈ દેશોની સરખામણીએ ભારતનું પ્રદર્શન સારૂ રહ્યું છે. પાકિસ્તાનનું ઉદાહરણ લઈ આ વાત સમજીએ તો પાકિસ્તાન પર દેવું જ એટલું વ્યાપક થઈ ગયું છે કે આખો દેશ મંદીમાં સપડાઈ ગયો છે. ભિક્ષુક કરતા પણ વધુ ખરાબ હાલત પાકિસ્તાનની બની છે. તેના જીડીપી કરતા 109 ટકા વધુ દેવું છે. એટલે કે પાકિસ્તાન જેટલું કમાય છે. એના 109 ટકા વધુ તો તેનું ચૂકવણું છે. જયારે ભારત, ભારત પાસે હજુ રીઝર્વ અનામત છે. કોરોનાના કપરાકાળમાં પણ ભારતમાં વિદેશી હુંડિયામણો, અસ્કયામતોમાં વધારો થયો છે.
અર્થતંત્રનાં વૃધ્ધિદરમાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે કોરોનાના કપરાકાળમાં સ્વાભાવિક પણ છે જોકે, આ ઘટાડો અગાઉ 8 ટકાનું અનુમાન હતુ તેના કરતા તો ઓછો છે. જે પ્રત્યક્ષ કે પરોક્ષ પણે રાહત રૂપ છે. એમાં પણ સૌ કોઈ જાણે છે કે, કોવિડ-19ની બીજી લહેર સમગ્ર દેશ માટે ઘાતકી નીવડી છે. નવા કેસ અતિ ખતરનાક ગતિએ વધતા મૃત્યુઆંક વધ્યો હતો તો સામે સ્વાસ્થ્ય કટોકટી સર્જાઈ હોય તેમ આરોગ્ય સેવાની ઘટ ઉભી થઈ હતી. મોટાભાગના રાજયોમાં લોકડાઉન લાદી દેવાયું. આવી સ્થિતિમાં ઔદ્યોગિક એકમો બંધ રહ્યા, આર્થિક ગતિવિધિ મંદ પડી. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘લોકડાઉન અંતિમ વિકલ્પ’ છે. એવા સૂચનથી સમગ્ર દેશ લોકડાઉનમાં સપડાયો નથી. જરૂરી એવા સ્થળો પર કડક પ્રતિબંધો લદાયા અને અંતે હવે બીજી લહેર કાબુમાં આવી. આ અંગે ખાતરી આપતા આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે કહ્યું છે કે, બીજી લહેરની જાજો કોઈ અસર અર્થતંત્ર પર થશે નહીં. પરંતુ આ માટે ફીસ્કલ અને નાણાંકીય તરલતાની ખૂબ આવશ્યકતા રહેશે.
નાણાંકીય વર્ષમાં 194.8 લાખ કરોડ જીડીપી (કુલ ઘરેલું ઉત્પાદન)નો લક્ષ્યાંક હતો પરંતુ હવે તે 197.5 લાખ કરોડ જીડીપીનો લક્ષ્યંક પૂર્ણ કરાશે. કુલ જીડીપીના 7.2ટકા ફીસ્કલ ડેફીસીટ (રાજકોષીય ખાદ્ય) રહી છે જે 9.5 ટકા રહેવાનો અનુમાન હતો. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારામને જણાવ્યું કે, વર્ષ 2020-21માં 18.2 લાખ કરોડ રૂપિયાની રાજકોષીય ખાદ્યની ધારણા હતી. જેની સામે 18.4 લાખ કરોડ રહી છે. વર્ષ 2019.20ના બજેટના 4.6 ટકાના અંદાજની સરખામણીએ લગભગ બે ગણી વધુ રહી છે. આર્થિક સલાકારે કહ્યું કે, મહામારીમાં ડીજીટલ પેમેન્ટમાં 200 ટકાનો ઉછાળો આવ્યો છે. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક આઈઆઈપી નોંધનીય દરે વધ્યો છે. અર્થતંત્ર ધીમેધીમે મહામારીના ફટકામાંથી ઉભરી રહ્યું છે.