રૈયાધાર અને કિટ્ટીપરાના ફેરિયા માટેના કેમ્પમાં ૧૫૩૨ લોકોનું સ્ક્રીનિગ, ૬૧૩ને લક્ષણો જણાતા ટેસ્ટ કરાયા, ૬-સંક્રમિત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવા શકય તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. કોરોનાનો ચેપ ફેલાતો રોકવા સાવચેતીરૂપે શાકભાજી વેંચતા ફેરિયા ભાઇ-બહેનો કોરોનાના સુપર સ્પ્રેડર ન બને તે માટે આવશ્યક પગલાંઓના ભાગરૂપે આજે છોટુનગર વિસ્તારમાં સતત બીજે દિવસે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આજે રૈયાધાર અને કિટ્ટીપરા વિસ્તારમાં પણ ફેરિયાઓ વધુ સંખ્યામાં રહેતા હોય ત્યાં પણ હેલ્થ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ ત્રણેય કેમ્પમાં કુલ ૧૫૩૨ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને ટેમ્પરેચર, જઙઘ૨ અને કોરોનાના અન્ય લક્ષણો જણાતા ૬૧૩ લોકોના ટેસ્ટ કરાયા જેમાંથી ૦૬ કેસ પોઝિટિવ મળતા વધુ સારવાર માટે રીફર કરાયા તેમને વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવેલ છે અને બાકીના ફેરિયાઓને હેલ્થ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસમાં આરોગ્ય અને અન્ય શાખાના અધિકારી / કર્મચારીઓ દ્વારા કુલ ૨૯૧૦ ફેરીયોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ છે. જેમાંથી એ સ્પષ્ટ થયું છે કે મોટા ભાગના ફેરિયાઓ સ્વસ્થ છે. છેલ્લા બે દિવસમાં આ મેડીકલ કેમ્પના આયોજનો મારફત કુલ ૧૧ પોઝિટિવ કેસ શોધી તેઓના માધ્યમથી સંભવિત રીતે થનારા કોરોના વાઇરસના પ્રસારને અટકાવી શકાયો છે.
આજે સતત બીજે દિવસે છોટુનગર ખાતે કેમ્પમાં કુલ ૩૦૭ ફેરિયાઓનું સ્ક્રીનીંગ અને ૧૫૧ ફેરિયાઓમાં સામાન્ય લક્ષણ જણાતા તેમના ટેસ્ટ કરાતા હતા જે પૈકી ૧ કેસ પોઝિટિવ ધ્યાને આવ્યો હતો. કિટ્ટીપરા ખાતે કેમ્પમાં કુલ ૨૨૩ ફેરિયાઓનું સ્ક્રીનીંગ અને ૧૦૯ ફેરિયાઓમાં સામાન્ય લક્ષણ જણાતા તેમના ટેસ્ટ કરાતા હતા જે પૈકી ૧ કેસ પોઝિટિવ નોંધાયો છે. રૈયાધાર ખાતે કેમ્પમાં કુલ ૧૦૦૨ ફેરિયાઓનું સ્ક્રીનીંગ અને ૩૫૩ ફેરિયાઓમાં સામાન્ય લક્ષણ જણાતા તેમના ટેસ્ટ કરાતા હતા જે પૈકી ૪ કેસ પોઝિટિવ નોંધાયા છે. આમ, આજના ૬ દર્દીઓને વધુ સારવાર માટે હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
આ કેમ્પ વિશે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે એમ જણાવ્યું હતું કે, શાકભાજી વેંચનારા લોકોનો મોટો સમૂહ છોટુનગર ઉપરાંત કિટ્ટીપરા અને રૈયાધાર વિસ્તારમાં રહે છે. શાકભાજી વેંચવા માટે આ ફેરિયા ભાઈ બહેનો શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા હોય છે અને આ પ્રકારે ઘણા લોકોના આડકતરા સંપર્કમાં આવે છે. શાકભાજીના માધ્યમથી તેઓ કોરોના વાયરસના સુપર સ્પ્રેડર ન બની જાય તેવા આશય સાથે તેમના સ્વાસ્થ્યની ચકાસણી કરવાની ઝુંબેશ હાથ ધરાયેલી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ હેલ્થ કેમ્પમાં રાજકોટ મહાનગરપાલિકાની મેડિકલ ટીમે ફેરીયાઓનું સ્વાસ્થ્ય કેવું છે તેની પ્રાથમિક થર્મલ સ્ક્રિનિંગ અને પલ્સ ઓક્સિમીટર વડે ચકાસણી કરવામાં આવેલ હતી.