ફોરેન્સિક પી.એમમાં જંગલેશ્વરના યુવકનું હાર્ટ અટેકથી મોત અને એકતા કોલોનીના મુસ્લિમ આધેડનું ટીબીની બિમારીથી મોતનો તબીબનો અભિપ્રાય
રાજકોટનાં કફર્યુગ્રસ્ત વિસ્તાર જંગલેશ્વરમાં રહેતા બે લોકોના શંકાસ્પદ હાલતમાં મોત નિપજતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. બંને શંકાસ્પદ લોકોના કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રમાં હાશકારો થયો છે. જેમાં એકતા કોલોનીના મુસ્લિમ આધેડનું ટીબીની બિમારી સબબ અને જંગલેશ્વર શેરી નં.૧૯માં રહેતા યુવકનું હાર્ટ એટેકથી મોત થયાનું ખુલ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ જંગલેશ્વરની એકતા કોલોનીમાં શેરી નં.૧માં રહેતા અને મજુરીકામ કરતા નનાભાઈ નજારભાઈ અલી સૈયદ નામના ૪૬ વર્ષીય આધેડ ટીબીની બિમારી સબબ ગત તા.૨૨ના રોજ બેભાન થઈ ઢળી પડતા પરિવારજનોએ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા જયા આધેડને તબીબી સારવાર દરમિયાન શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો દેખાતા મેડિકલ ટીમે તાકિદે કોરોના વાયરસનું ટેસ્ટીંગ કર્યું હતું પરંતુ રીપોર્ટ આવે તે પૂર્વે જ આધેડનું સાંજના સમયે મોત નિપજતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ૨૪ કલાક બાદ મુસ્લિમ આધેડનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા આરોગ્ય વિભાગમાં અને મુસ્લિમ પરિવારમાં હાશકારો થયો હતો. ભકિતનગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ નરેન્દ્રભાઈ ભદ્રેચાએ મૃતદેહ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મુસ્લિમ આધેડનું ટીબીની બિમારી સબબ મોત નિપજયાનું ખુલ્યું હતું.
જયારે જંગલેશ્ર્વર શેરી નં.૧૯માં નુરાની ચોક પાસે રહેતા યુસુફ અલ્લારખા રાઠોડ (ઉ.વ.૨૦)ને ત્રણ વ્યકિતઓ સાથે ઝપાઝપી થયા બાદ થોડીવાર પછી તે બેભાન થઈ જતા તેનું મોત નિપજયું હતું. જેનું આજે ફોરેન્સીક પી.એમ રીપોર્ટમાં મોત હાર્ટએટેકથી થયાનું ખુલ્યું હતું. જયારે ફોરેન્સિક પીએમ સાથે યુવકનો કરાયેલા કોરોના ટેસ્ટ પણ નેગેટીવ આવતા આરોગ્ય તંત્રમાં હાશકારો થયો છે જોકે તે હોટસ્પોટ જંગલેશ્વરમાં રહેતો હોય તો તેનો ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ તબીબોએ ફોરેન્સિક પીએમ કર્યું હતું.