કોરોના વાયરસની ઘાતકી સાબિત થયેલી બીજી લહેર હવે અંત તરફ હોય તેમ નવા કેસ ઘટી રહ્યા છે. તો સામે રિકવરી રેટ પણ વધી રહ્યો છે. આ જોતા હવે રાજ્યમાં રૂપાણી સરકારે રાહતનો શ્વાસ લઈ 36 શહેરોમાં લદાયેલા “મીની લોકડાઉન” જેવા કડક નિયમો હળવા કરવાનું શરૂ કર્યું છે. નાના અને મધ્યમ વર્ગીય વેપારીઓને સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપ્યા બાદ હવે વધુ 3 કલાક દુકાનો ખુલ્લી રાખવા છુટ્ટ આપી દીધી છે. તો હોટેલ રેસ્ટોરન્ટને ટેક અવે અને હોમ ડિલિવરી માટે વધુ એક કલાક વધારાઈ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજરોજ મળેલી કોર કમિટીની બેઠકમાં સાથે અન્ય પણ કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. કોરોના ઘટતા રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર અને માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન એટ્લે કે શુક્રવારથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે. રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જાહેરાત કરી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂન થી 11 જૂન સુધી દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે.
નિયમો-પ્રતિબંધોમાં શું થયા ફેરફાર ??
- કોરોના ઘટતા આંશિક પ્રતિબંધો ઢીલા કરતી રૂપાણી સરકાર
- વેપાર-ધંધા સાંજે 6 સુધી ખુલ્લા રાખી શકાશે
- શુક્રવારથી વેપાર-ધંધા સવારે 9થી સાંજે 6 સુધી ખુલ્લા રાખી શકાશે
- રેસ્ટોરન્ટને રાત્રે 10 સુધી હોમ ડિલિવરીની છૂટ 11 જૂન સુધી નવો નિર્ણય અમલી રહેશે
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નાઈટ કરફ્યૂ અને પ્રતિબંધોને લઈને ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી આંશિક રાહત અપાઈ છે. આ અગાઉ હોટેલ, રેસ્ટોરન્ટને ટેક અવે અને હોમ ડિલિવરી માટે સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધીની છૂટ્ટ અપાઈ હતી જે હવે 1 કલાક વધારી 10 વાગ્યા સુધીની છુટ્ટ અપાઈ છે.