2 ન્યાયધીશ સહિત કોર્ટના 11 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ: ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશનના 5, સુપ્રી. એન્જીનીયર અને પરિવારજનો સહિત 18 કોરોના સંક્રમીત
ચીફ કોર્ટ બિલ્ડીંગમાં 31મી માર્ચ સુધી કામગીરી બંધ રહેશે
રાજકોટમાં કોરોનાએ અજગરી ભરડો લીધો હોય તેવું લાગી રહ્યું છે. આજે શ્રોફ રોડ સ્થિત ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશનમાં સુપ્રીમટેન્ડન્ટ ઓફિસર સહિત 5 કર્મચારી અને તેના પરિવારજનો સહિત કુલ 18 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાનું જાણવા મળી રહ્યું છે તો કોર્ટમાં આજે સવારથી માસ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાં 2 ન્યાયધીશ સહિત 11 કર્મચારી કોરોનાગ્રસ્ત હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. આજે બપોર સુધીમાં કુલ 55 પોઝિટિવ કેસ નોંધાયાનું મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના શ્રોફ રોડ પર આવેલા ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશનમાં એક કર્મચારી કોરોનાગ્રસ્ત બનતા અહીં અન્ય કર્મચારીઓના કોરોના ટેસ્ટ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવ્યા હતા. જેમાં રેડિયો સ્ટેશનના એક સુપ્રી. એન્જીનીયર સહિત 5 કર્મચારીઓ અને તેના પરિવારના 18 સભ્યો કોરોનાથી સંક્રમીત થયાનું બહાર આવતા આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. હાલ તમામને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે અને તેના સંપર્કમાં આવેલા અન્ય વ્યક્તિઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આજે સવારે કોર્ટમાં કોરોના ટેસ્ટીંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 2 ન્યાયધીશ સહિત 11 કર્મચારીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાનું જાણવા મળી રહ્યું છે.
વૈશ્ર્વિક મહામારી કોરોનાની બીજી લહેરથી દેશના અનેક રાજયો સપડાયા છે જેમાં મહારાષ્ટ્ર, પંજાબ અને ગુજરાત સહિત પ્રદેશોમાં કુદકેને ભુસકે કેસની સંખ્યા વધી રહી છે. રાજય સરકાર દ્વારા કોરોનાને ડામી દેવા ચાર મહાનગરોમાં રાત્રિ કફર્યુ લાદવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરોમાં રોજ કોરોના નવો હાઈ બનાવે છે. રાજકોટ શહેરની ફેમિલી કોર્ટમાં બે દિવસ પૂર્વે રજીસ્ટ્રારને કોરોના પોઝીટીવ આવતા તા.26મી સુધી અદાલતની કામગીરી બંધ કરવામાં આવી હતી.
જેના પગલે સેસન્સ જજ યુ.ટી. દેસાઈએ કોર્ટ કર્મચારીઓ માટે આજરોજ કોરોનાના ટેસ્ટીંગનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં બપોર સુધીમાં 70થી વધુ સ્ટાફના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતાં.
મોચી બજાર રોડ પર આવેલી સાત માળની કોર્ટમાં કોરોનાનો વિસ્ફોટ થતા મહિલા ન્યાયધીશ અને સાત કર્મચારી સહિત આઠ વ્યકિત કોરોના સંક્રમિત થયા છે. બે દિવસમાં કુલ નવ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. 2 ન્યાયધીશ સહિત 11 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સાત માળના બિલ્ડીંગમાં બેસતી ચાર પૈકી ત્રણ નેગોશીએબલ કોર્ટની કામગીરી તા.31 માર્ચ સુધી બંધ રાખવામાં આવી છે. હાલ નેગોશીએબલ માટે એક કોર્ટમાં કામગીરી ચાલુ રહેશે.
આ ઉપરાંત જો કોર્ટમાં સંક્રમણ વધશે તો આંશિક સમય માટે સંપૂર્ણ કામગીરી બંધ રાખવા માટે ડિસ્ટ્રીકટ જજ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ બારના પ્રમુખ બકુલ રાજાણીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ગઈકાલે શહેરમાં કોરોનાના 117 કેસો નોંધાયા હતા. દરમિયાન આજે બપોર સુધીમાં કોરોનાના વધુ 55 પોઝિટિવ કેસ નોંધાયાનું મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે કુલ કેસનો આંક 17895એ પહોંચી જવા પામ્યો છે. રિકવરી રેટમાં પણ ઘટાડો નોંધાયો છે. હાલ રિકવરી રેટ 96.13 ટકા હોવાનું જાહેર કરાયું છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. હવે સરકારી કચેરીમાં પણ પગપેસારો થઈ રહ્યો હોય ચિંતા સતત વધી રહી છે.
કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રોમાં આજથી 45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવાનું શરૂ
કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે જાહેર કરવામાં આવેલી ગાઈડ લાઈનમાં આગામી 1લી એપ્રીલથી દેશમાં 45 વર્ષથી વધુ ઉમરના તમામ નાગરિકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે તેવું સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ રાજકોટ મહાપાલિકાએ 1લી એપ્રીલ સુધી વાંટ જોવાના બદલે આજથી જ તમામ 21 આરોગ્ય કેન્દ્રોમાં 45 વર્ષથી વધુ વયના તમામ વ્યક્તિને વેક્સિન આપવાનું શરૂ કરી દીધાનું જાણવા મળી રહ્યું છે. આરોગ્ય શાખાના સુત્રોના જણાવ્યાનુસાર ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા મુજબ એવી જાહેરાત કરાઈ છે કે 1લી એપ્રીલથી 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોનાની વેકસીન આપવાનું શરૂ કરવું જેમાં બિમારી માટેના ડોકટરના કોઈપણ પ્રકારના પ્રમાણપત્રની જરૂર નથી પરંતુ રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે એવી સુચના આપવામાં આવી હતી કે, કોરોના વેક્સિનનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ હોય તો એપ્રીલ સુધી રાહ જોવાની જરૂર નથી. જેને ધ્યાનમાં રાખી આજથી જ તમામ 21 આરોગ્ય કેન્દ્રોમાં 45 વર્ષથી વધુ વયની તમામ વ્યક્તિને કોરોના વેકસીન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ માટે વ્યક્તિએ માત્ર આધારકાર્ડ સાથે લઈને આવવાનું રહેશે અને મોબાઈલ નંબર આપવાના રહેશે.