દર ચારમાંથી એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ: બપોર સુધીમાં વધુ 225 કેસ નોંધાયા
રાજકોટમાં કોરોનાના ટેસ્ટ કરાવતી દર ચાર વ્યક્તિઓએ એક વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવી રહ્યો છે. છેલ્લાં બે દિવસથી દૈનિક કોવિડના ફીગર ચાર ડીજિટમાં નોંધાઇ રહ્યા છે. પોઝીટીવીટી રેઇટ અધધધ કહી શકાય તેટલો 27.50 ટકા પહોંચી જવા પામ્યો છે. ગઇકાલે દિવસ દરમ્યાન કોરોના 1259 કેસ નોંધાયા બાદ આજે બપોર સુધીમાં 225 કેસ નોંધાયા હોવાની સત્તાવાર જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે.
મહાપાલિકના સૂત્રોના જણાવ્યાનુસાર ગઇકાલે દિવસ દરમિયાન 4,578 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જે પૈકી 1259 લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોઝીટીવીટી રેઇટ પ્રથમવાર 27.50 ટકાએ પહોંચી જવા પામ્યો છે. આજે બપોર સુધીમાં શહેરમાં કોરોનાના વધુ 225 કેસ નોંધાતા કુલ કેસનો આંક 49,744એ પહોંચી જવા પામ્યો છે.
આજે સાંજ સુધીમાં કોરોનાના આંક 50,000ને પાર થઇ જશે. તેવું લાગી રહ્યું છે. આજ સુધીમાં કુલ 16,17,357ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 49,744 લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા પોઝીટીવીટી રેઇટ 3.08 ટકા જેવો નોંધાયો છે. કોરોનાની ત્રીજી લહેરમાં પોઝીટીવી રેઇટનું પ્રમાણ ખૂબ જ વધુ નોંધાઇ રહ્યું છે.