દર્દીએ લોબીમાંથી ઝંપલાવ્યું: સ્ટાફ દ્વારા બચાવવાનો
પ્રયાસ કરવા છતાં પ્રૌઢે જીવનનો અંત આણ્યો

રાજકોટમાં કોરોનાની મહામારી હવે લોકોને આપઘાત કરવા પર મજબુર કરી રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં કોવિડ બિલ્ડિંગમાં ચોથા માળે દાખલ કોરોનાના દર્દીએ પડતું મૂકી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા પ્રૌઢ લોબીમાં ઠેકડો મારવા જાય છે ત્યારે સ્ટાફ દ્વારા બચાવવાનો પ્રયાસ કરવા છતાં પ્રૌઢે જીવનનો અંત આણ્યો હતો. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં કોવિડ બિલ્ડિંગમાં ચોથા માળેથી ઝંપલાવી કુવાડવાના સાયપર ગામે રહેતા જાગાભાઈ મોહનભાઇ ભલગામડિયા નામના 50 વર્ષના પ્રૌઢે વહેલી સવારે આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ઘટનાની જાણ થતાં પ્ર-નગર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો.

પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ જાગાભાઈ ભલગામડિયા કુવાડવાના સાયપર ગામે રહેતા હતા અને ઇલેક્ટ્રિક કામની મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જાગાભાઈને ગત તા.29મી ના ગુરુવારે કોવિડ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દી જાગાભાઈએ આજ રોજ વહેલી સવારે 5 વાગ્યા બાદ હોસ્પિટલની લોબીમાં પ્રવેશ કરી નીચે પડતું મૂકી દીધું હતું. આ સમયે હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમને બચાવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને દર્દીએ જીવનનો અંત આણ્યો હતો. આ તમામ ઘટનાના દ્રશ્યો પોલીસે તેમના નાનાભાઈ સંજયભાઈને બતાવ્યા હતા. દર્દીએ ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી છે. પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.

રાજકોટ શહેરમાં કોરોનાના કારણે હવે આપઘાતની ઘટનાઓ પણ વધી રહી છે. અગાઉ પણ શહેરમાં 6 કરતા પણ વધુ લોકોએ કોરોનાના ડરથી જીવાદોરી ટૂંકાવી છે. ત્યારે આજરોજ વધુ એક દર્દીએ કોરોનામાં આપઘાત કરતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.