ગુજરાતમાં કોરોના વાયરસ આવ્યાને એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે. જી.હા, ગુજરાતમાં ગત વર્ષે આજના જ દિવસે સૌ પ્રથમ રાજકોટમાં કેસ નોંધાયો હતો. રાજયમાં નદીમ ભટ્ટી નામનો વ્યકિત સૌ પ્રથમ આ વાયરસની ઝપેટમાં આવ્યો હતો. રાજકોટ બાદ ધીમેધીમે સુરત,વડોદરા, અને અમદાવાદમાં કોરોના પ્રસરયો હતો. વાયરસ એક વર્ષ ‘મોટો’ થતા પૂન: ઝડપભેર ફેલાઈ રહ્યો છે. વિશ્ર્વકક્ષાએ વાત, કરીએ તો કોરોના વાયરસ ચીનમાં વર્ષ 2019ના નવેમ્બર-ડિસેમ્બર માસમાં ફેલાયો હતો. અને વર્ષ 2020ના માર્ચમાસના બીજા અઠવાડિયામાં સંયુકત રાષ્ટ્ર અને વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાયરસથી ઉભી થયેલી સ્થિતિને ‘વૈશ્ર્વિક મહામારી’ ઘોષિત કરી હતી. ગત વર્ષે સૌથી વધુ કપરો સમય નવેમ્બર માસ સાબિત થયો હતો.
કોરોનાને એક વર્ષ વિત્યાછતા તેની તીવ્રતા હજુ ઓછી અંકાઈ નથી.થોડા સમયનાં અંતરાળ બાદ કોરોનાએ ફરી ઉથલો મારતા જોખમ વધ્યું છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ વધુ વણસતા ગુજરાત પર ખતરો ઉભો થયો છે. આજે એક વર્ષનાં અંતરાળ બાદ પણ છેલ્લા ત્રણથી ચાર દિવસથી 700થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જેના પગલે રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરામાં આજથી 31 માર્ચ સુધી રાત્રીનાં 10થી સવારના છ વાગ્યાસુધી કફર્યું લાદીદેવાયું છે.