સાવચેતીના પગલા અને રસીકરણના માહોલ વચ્ચે પણ દિવસે દિવસે આ બિમારી વધુને વધુ વકરતી જાય છે. કાચીંડાની જેમ રંગ બદલવામાં માહેર કોરોનાના નવા સ્ટ્રેઈનની ઝડપ અગાઉ કરતા વધી છે. મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે વધે તેવા સંજોગોમાં અગાઉ કોરોના વિશેની માન્યતા અને તેને કાબુમાં લેવાના પગલામાં પણ હવે શરૂઆતથી જ વિચારવું પડશે. કોરોના ભીડભાડવાળી વસ્તીમાં વધુ ફેલાતો હોવાનું માનવામાં આવે છે ત્યારે મહારાષ્ટ્રના મુંબઈની ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં સંક્રમણ કાબુમાં આવ્યું છે. ધારાવીમાં કોરોના સંપૂર્ણપણે કંટ્રોલમાં છે તો છુટની પાંખી વસ્તી ધરાવતા નાસીકમાં તેનું સંક્રમણ વધ્યું છે.
ચીનના વુહાનમાંથી શરૂ થયેલી કોરોનાની ભુતાવળ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહી છે. કાચીંડાથી પણ વધુ ઝડપથી રંગ બદલતી આ મહામારીની બીજી લહેર વધુ ઘાતક પુરવાર થઈ રહી છે. દેશમાં ફરીથી નવા કેસોની સંખ્યામાં બે ગણો અને ગુજરાતમાં 5 ગણો વધારો નોંધાતા કોરોના વોરીયર્સ માટે આ બીમારીને કાબુમાં લેવા માટે પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે સમગ્ર દેશમાં 68020 નવા કેસોનો ઉમેરો થયો હતો જે ગયા મહિનાના ઓકટોબર મહિનાથી સૌથી વધુ છે. સમગ્ર દેશમાં હવે કોરોનાના દર્દીની સંખ્યાનો આંક 1.20 કરોડને પાર કરી ગયો છે. રોજના નવા કેસોના વધારામાં હવે ગીચ વસ્તી અને પાંખી વસ્તીમાં વિસંગતતા જોવા મળી રહી છે. દેશના 10 રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. પહેલી અને બીજી લહેર વચ્ચે પણ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. અત્યારે બીજી લહેરમાં સૌથી વધુ અને ઝડપથી કેસ નોંધાવાનું શરૂ થયું છે.
‘અબતક’એ અગાઉ કરેલી આગાહી મુજબ એપ્રીલ મહિનો કોરોના ફેલાવા માટે વધુ ઘાતક થશે. 32 દિવસના પ્રથમ વાયરામાં 18 હજારથી 50 હજાર સુધી નવા કેસ નોંધાયા હતા. જ્યારે બીજા વાયરામાં થોડા જ દિવસોમાં નવા કેસનો આંકડો માર્ચ મહિનામાં એકાએક ઉછાળો આવતા કેસનો આંક વિક્રમજનક સંખ્યાએ પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં 31 દિવસમાં નવા કેસોની સંખ્યા પ્રતિદિનના ઉછાળામાં પહેલા વાયરાના આંકડાઓ સુધી પહોંચવાની સામે બીજા વાયરામાં નવા કેસોની સંખ્યામાં 21 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના મુંબઈમાં 24 દિવસમાં દૈનિક નવા કેસોની સંખ્યા વધી ગઈ છે અને બીજા વાયરામાં પરિસ્થિતિ તદન વિપરીત જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ પ્રથમ છ દિવસમાં 5 ગણો નવા કેસોનો ઉછાળો નોંધાયો છે. પશ્ર્ચિમ રાજ્યોમાં પણ નવા કેસોની સંખ્યા બેકાબુ બની રહી છે. નવા સ્ટ્રેઈનમાં મુંબઈની ગીચ વસ્તીથી નાસીકની પાંખી વસ્તીમાં વધુ કેસો નોંધાયા છે.
કોરોનાની બિમારીને કાબુમાં લેવા માટે નવેસરથી ગાઈડ લાઈન અને નવી લાક્ષણીકતા મુજબ તેના પગલા લેવાની આવશ્યકતા દેખાય છે. રસી લઈ લીધી હોવા છતાં સંક્રમણનો ભોગ બનતા હોવા અને મૃત્યુની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે ત્યારે કોરોનાની આ ભુતાવળ સામે લાંબા સમય સુધી યુદ્ધ કરવાનું છે અને તેને સંયમ શિસ્ત, સાવચેતીના પગલાથી જ મહાત આપવા માટે વિશ્ર્વએ મન બનાવી લેવું પડશે.