ઈશ્વરે ઘર બદલ્યા તેમ કોરોનાએ ઠેકાણા બદલ્યા
મુંબઈ, અમદાવાદ નહીં પણ હવે બેંગ્લોર, હૈદરાબાદ, પુના અને સુરત જોખમી હોટસ્પોટ
બિલાડી સાત ઘર બદલે તેવી કહેવત છે. આ કહેવત કોરોના માટે પણ લાગુ પડે છે. કોરોનાની મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં હોટસ્પોટ વિસ્તારોમાં ઝડપી બદલાવ આવ્યા છે. એક સમયે જ્યારે મુંબઈ, અમદાવાદ અને નવીદિલ્હી સહિતના શહેરોમાં કોરોનાની મહામારી બેકાબુ બની હતી. હવે હોટસ્પોટ બદલાયા છે. હવે કોરોનાની મહામારી બેંગ્લોર, હૈદરાબાદ, પુના, સુરત, કલકત્તા અને ચેન્નાઈમાં વધુ તિવ્રતાથી જોવા મળે છે.
અત્યારે ભારત વિશ્વના સૌથી વધુ કોરોનાગ્રસ્ત ટોચના ૫ દેશોમાં સામેલ છે. બેંગ્લોર અને ચેન્નાઈની હાલત ખરાબ છે. અત્યારે બેંગ્લોરમાં દરરોજ ૧૨.૯ ટકાના દરે કોરોના વાયરસના સંક્રમણનો લોકો ભોગ બને છે. માત્ર સંક્રમણ જ નહીં પરંતુ બેંગ્લોરમાં તો મૃત્યુદરનું પ્રમાણ પણ જોખમી સ્તરે પહોંચી ગયું છે. બેંગ્લોરમાં દરરોજ ૮.૯ ટકાના દરે કોરોનાના દર્દીઓ મોતને ભેટે છે. આવી જ હાલત અમદાવાદની પણ છે. અમદાવાદમાં મૃત્યુદરનું પ્રમાણ ઝડપથી વધ્યું છે.
દેશમાં કોરોના મહામારીનો પ્રારંભ થયો ત્યારબાદ મહારાષ્ટ્રમાં અને ખાસ કરી મુંબઈમાં કેસનું પ્રમાણ દિન-પ્રતિદિન વધવા પામ્યું હતું. મુંબઈમાં કોરોનાનો રાફડો ફાટ્યો હતો. થાણે, કલ્યાણ અને નવીમુંબઈમાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા હતા. જો કે, હવે સ્થિતિ થોડી સામાન્ય થઈ છે. પરંતુ કોરોનાએ જેમ ઘર બદલ્યું હોય તેમ મુંબઈના સ્થાને હવે પુનામાં કેસ વધ્યા લાગ્યા છે જે ખુબજ ગંભીર બાબત છે. નોંધનીય છે કે, અત્યારે બેંગ્લોરમાં દર ૧૦ લાખે ૨૦૬૧ લોકો કોરોનાનો ભોગ બને છે. પુનામાં ૬૩૮૨ લોકો કોરોનાનો ભોગ બને છે. કોરોના મહામારીના કારણે અત્યારસુધીમાં વિશ્ર્વમાં કરોડો લોકોના જીવ જોખમમાં મુકાઇ ગયા હતા. ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ કોરોના કહરામ મચાવશે તેવી ભીતિ તમામને હતી. અલબત કેન્દ્ર સરકારે લીધેલા આગોતરા પગલા અને લોકોની સમજણના કારણે કોરોના મહામારી અન્ય દેશોની સરખામણીએ ભારત ઉપર વધુ અસર કરી શકી નથી. અલબત અત્યારે કોરોના એક સ્થળેથી બીજા સ્થળે ફેલાતો હોવાની હકીકત સામે આવતા મામલો ગંભીર બન્યો છે. હવાથી સંક્રમણ ફેલાતુ હોવાથી હોટસ્પોટ વિસ્તારોની આજુબાજુના વિસ્તારોમાં પણ સંક્રમણ વધ્યું છે. અધુરામાં પુરુ જે વિસ્તારોમાં તીવ્રતા ઓછી હતી ત્યાં વધુ તીવ્રતાથી કોરોના ત્રાટકે છે.
બેફામ કેસ વધવા છતાં કોરોના કાબુમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે યુએનની સિક્યુરીટી કાઉન્સીલને સંબોધી હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે, ભારતમાં કોરોના સામેની લડાઈ લોકઅભિયાન બની ગયું છે. જેમાં સરકાર અને સમાજનો સહકાર મળ્યો છે. વર્તમાન સમયે ભારતમાં વિશ્ર્વનો સૌથી ઉંચો રિકવરી રેટ છે. ભારતમાં કેસ તો વધી રહ્યાં છે પરંતુ રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખામણીએ વધુ છે. દેશમાં કેસ ૧૧ લાખની નજીક છે. અત્યાર સુધીમાં ૨૫૬૦૨ લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. આ ટકાવારી વૈશ્ર્વિક સરખામણી કરતા ઓછી છે. વિશ્ર્વમાં ૧.૩ કરોડ લોકો સંક્રમણનો ભોગ બન્યા હતા અને તેમાંથી ૬ લાખના મૃત્યુ નિપજયા હતા. વડાપ્રધાન મોદીએ પોતાના ઉદ્બોધનમાં લોકો માટે જાહેર કરાયેલા પેકેજની વિગતો પણ આપી હતી. તેમણે આત્મનિર્ભર ભારતનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે વૈશ્ર્વિક ફલક પર ‘સબ કા સાથ સબ કા વિકાસ અને સબ કા વિશ્ર્વાસ’નો મંત્ર આપ્યો હતો.
માત્ર મેગા સિટી જ નહીં પરંતુ નાના નગરોમાં પણ સંક્રમણ વધ્યું
કોરોનાની તિવ્રતા શરૂઆતમાં અમદાવાદ, મુંબઈ અને નવીદિલ્હી જેવા શહેરોમાં વધુ હતી પરંતુ સમય બદલાતા આ તિવ્રતા માત્ર મેગા સિટી પુરતી રહી નથી. નગરોમાં પણ કોરોનાના કેસ વધતા જાય છે. સૌરાષ્ટ્રના ધોરાજી, બોટાદ, અમરેલી, દ્વારકા, પોરબંદર જેવા નગરોમાં પણ કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો હતો. એક રીતે કોરોનાના કોઈ એક ક્ષેત્રમાં કાબુમાં લેવો અટપટુ બન્યું છે. જ્યાં જ્યાં કેસ વધ્યા છે ત્યાં ત્યાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે.
હોટસ્પોટની આજુબાજુનફા વિસ્તારો ઉપર વધુ ખતરો
કોરોનાના કેસની સંખ્યા અને તિવ્રતા વધુ હોય તેવા વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરાયા હતા. કોરોનાને રોકવા લાદવામાં આવેલા લોકડાઉનને ઉઠાવી લેવાયા બાદ લોકોની ચહલ-પહલ વધી હતી. કેટલાક લોકો હોટસ્પોટ વિસ્તારોમાંથી અન્ય સ્થળે પહોંચ્યા હતા. જેનાથી સંક્રમણને ફેલાવો વધ્યો છે. હવે એવી સ્થિતિ આવીને ઉભી છે જે વિસ્તારો હોટસ્પોટ છે તેની આજુબાજુમાં પણ કેસ વધવા લાગ્યા છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, બરોડા સહિતના મોટા શહેરોમાં આવી સ્થિતિ વધુ જોવા મળે છે. જ્યાં હાર્દ સમા વિસ્તારો કરતા આજુબાજુના વિસ્તારોમાં કેસનો રાફડો ફાટ્યો હોવાનું આંકડા પરથી ફલીત થાય છે.
રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતના શહેરો ઝપટે ચડ્યા
રાજ્યના અમદાવાદ, સુરત અને બરોડામાં કોરોનાના કેસ વધુ હતા. ત્યારબાદ લોકઓપન થતાં લોકોની અવર-જવર વધી હતી. સુરત અને અમદાવાદમાંથી ઘણા લોકો સૌરાષ્ટ્ર તરફ આવતા સંક્રમણ પણ વધ્યું છે. હાલ રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં જથ્થાબંધ કેસ આવી રહ્યાં છે. તેની પાછળ કોરોના ઘર બદલી રહ્યું હોવાનું જાણવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા સનદી અધિકારીઓની ખાસ ટુકડી પણ રચાય છે. આવા વિસ્તારોને ઓળખી કાઢી ક્યાં કઈ રીતે કોરોનાને રોકવા પગલા લઈ શકાય તે સુનિશ્ર્ચિત કરવાનું કામ સનદી અધિકારીઓને સોંપાયું છે.