કોરોના સંક્રમણના કેસો વધતા હજુ પણ વધુ શહેરોમાં લોકડાઉન અંગે સરકારની વિચારણા

કોરોના વાયરસે મહારાષ્ટ્રમાં હાહાકાર મચ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાને પગલે સરકારને કેટલાક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી છે. મહારાષ્ટ્રમાં નાગપુર બાદ હવે અકોલામાં પણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. અકોલામાં 15 માર્ચ સુધી લોકડાઉન લાગુ રહેશે. પુણેમાં પણ નાઈટ કર્ફ્યૂની સરકારે જાહેરાત કરી છે.

અકોલામાં તંત્રએ શુક્રવારના રાતથી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. અકોલામાં શુક્રવારે રાત્રીના 8 વાગ્યાથી સોમવારના સવારના 8 વાગ્યા સુધી લોકડાઉન રહેશે. પુણેમાં રાત્રીના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લાગુ કરાયો છે. કોરોના વાયરસના કેસોમાં આવેલા ઉછાળાને પગલે સરકારે આકરા નિયમો લાદ્યા છે. કોરોનાના કેસોનો પ્રકોપ વધતા નાગપુરમાં પણ લોકડાઉન લાગુ કરાયું છે. આ ઉપરાંત 31 માર્ચ સુધી શાળા અને કોલેજો પણ બંધ કરવામાં આવી છે. હોટેલ અને બારને પણ રાતના 10 વાગ્યા પછી ખુલ્લા નહીં રાખવા આદેશ આપવામાં આવ્યો છે.

કોરોનાએ ફરી સ્પીડ પકડતાં મહારાષ્ટ્રના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ લોકડાઉન લાગુ કરવાની ચર્ચા ચાલી રહી છે. નાગપુરમાં 15 માર્ચથી 21 માર્ચ સુધી લોકડાઉન રહેશે અને ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ થશે. થાણેમાં 16 હોટસ્પોટમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ સંકેત આપ્યા છે કે જો કોરોનાના કેસો વધવાનું બંધ નહીં થાય તો કેટલાક સ્થળે લોકડાઉન લાગુ થઈ શકે છે. નાગપુર પછી પુણે, મુંબઈ અને થાણે જેવા ગીચ વિસ્તારોમાં લોકડાઉન લાગુ થવાની સંભાવના છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના આંકડા પર નજર કરીએ તો હાલમાં એક લાખથી વધુ લોકો સારવાર લઈ રહ્યા છે. 6 નવેમ્બરના સક્રિય કેસોની સંખ્યા 1,02,099 હતી જ્યારે હાલમાં તે 1,06,070 થઈ છે. 14 ફેબ્રુઆરીથી મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. નાગપુરમાં સૌથી વધુ 1,701 કેસ  નોંધાયા છે. પુણેમાં 1,514 અને મુંબીમાં 1,509 દર્દીઓ સંક્રમિત થયા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.