વધુ ૩૩ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત: કુલ કેસ ૩૫૦૦ નજીક
રાજકોટમાં કોરોના વાયરસ દિન પ્રતિદિન નવી ઉંચાઈઓ પર નોંધાતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ બપોર સુધીમાં કોરોનાએ અર્ધ સદી નોંધાવતા ૫૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ ૩૩ કોરોનાગ્રસ્ત દર્દીઓએ વાયરસને મ્હાત આપી ઘર વાપસી કરી છે. રાજકોટ શહેરી વિસ્તારનો કુલ પોઝિટિવ કેસનો આંકડો ૩૪૪૫ પર પહોંચ્યો છે.
રાજકોટમાં આરોગ્ય સચિવ જયંતિ રવિ આવ્યા બાદ કોરોનાની પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલીંગ ટેસ્ટની સંખ્યામાં પણ વધારો થતાં પોઝિટિવ કેસની સંખ્યા પણ ઉંચા સ્તર પર નોંધાઈ રહી છે. ગઈકાલે એક દિવસમાં ૩૨૧૦ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૮૯ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજ બપોર સુધીમાં વધુ ૫૨ પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
આરોગ્ય વિભાગ દ્વારા એક દિવસમાં વધુ ૩૨૧૦ કોરોના સેમ્પલીંગ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ગઈકાલે ૮૯ પોઝિટિવ કેસ નોંધાયા હતા. ગઈકાલે પોઝિટિવ રેટ ૨.૭૭ ટકા જેટલો થયો હતો. જ્યારે આજ બપોર સુધીમાં વધુ ૫૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ૩૩ દર્દીએ કોરોનાને મ્હાત આપી જિંદગી સામેની જંગ જીતી છે. અત્યાર સુધી કોરોનામાં કુલ ૧૭૨૩ લોકો સાજા થતાં રિકવરી રેટ ૫૦.૭૮ ટકા પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી કોરોનાના કારણે ૭૦ લોકોએ દમ તોડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ માંડવી ચોક જૈન સંઘના પ્રમુખ અને પરિવારના સભ્યો સંક્રમિત
રાજકોટમાં કોરોના દરેક ક્ષેત્રમાં પગપેશારો કરી ચૂકયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, કોર્પોરેશન, ખાનગી સંઘ, કલેકટર કચેરી, પોલીસ કચેરી અને ખાનગી સંઘમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે રાજકોટ માડવી ચોક જૈન સંઘના પ્રમુખ જીતુભાઈ ચાવાળા પણ કોરોના સંક્રમિત થયા છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના પરિવારજનો અને સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોના સેમ્પલીંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી જૈન સંઘના પ્રમુખ જીતુભાઈ ચાવાળા પરિવારના ચાર સભ્યો પણ કોરોના સંક્રમિત થયા હતા.
કોર્પોરેશનમાં પણ કોરોનાએ આફત મચાવી
રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યાર સુધી કોરોના આફત મચાવી રહ્યો હતો ત્યારબાદ હવે કોર્પોરેશનમાં પણ કોરોના ફરી એક્ટિવ થતાં તંત્રમાં ચિંતાનો વ્યાપ વધી રહ્યો છે. વોર્ડ નં.૯ના વોર્ડ ઓફિસરને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા અને પરિવારજનોના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલીંગ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી વોર્ડ નં.૯ના વોર્ડ ઓફિસરના પરિવારજનોને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના પ્રથમ નાગરિક મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી અને સાંસદ અભય ભારદ્વાજ તથા તેમના પરિવારજનો અને ઓફિસમાં કામ કરતા એડવોકેટો કોરોના સંક્રમિત થયા બાદ હવે કોર્પોરેશનમાં પણ વોર્ડ ઓફિસરો તથા તેમના પરિવારજનો કોરોનાની ઝપટે ચડતા કોર્પોરેશનના કર્મચારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.