કોરોના મહામારી સમગ્ર વિશ્ર્વ માટે ચિંતા અને ઉચાટનું કારણ બની ગઈ છે ત્યારે ગુજરાતમાં શરૂ થયેલી કોરોના વિરોધી ઝુંબેશ અને સહિયારા પ્રયાસોથી એક જ અઠવાડિયામાં રાજ્યભરમાં એમ્બ્યુલન્સ સાયરનની ગુંજ 64000 થી 14000 એ પહોંચી ગઈ છે. કેસમાં સતતપણે થઈ રહેલા ઘટાડાના કારણે હવે કોઈને તાત્કાલીક એમ્બ્યુલન્સ લઈને દવાખાને જવાની જરૂર રહી નથી. એક વર્ષથી સતતપણે આતંક મચાવનાર કોવિડ-19 વાયરસની બીજી લહેરનો ગુજરાતમાં અંત આવી રહ્યો હોય તેમ કેસમાં સતત ઘટાડો અને રિકવરી રેટમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગુજરાતમાં પરિસ્થિતિ વધુને વધુ સુધારવા માટે સરકાર અને તંત્રના સહિયારા પ્રયાસો સફળતા તરફ નિશ્ર્ચિત દિશામાં આગળ વધતા દેખાય છે.
રસીકરણ માટેની જાગૃતિ અને તંત્રની વ્યવસ્થાના સમન્વયથી 1લી મે થી શરૂ થયેલા 18 વર્ષથી ઉપરના તમામને રસીકરણ અને રાજ્યના તમામ 14000 ગામડાઓમાં 15 મે સુધી ‘મારૂ ગામ, કોરોના મુક્ત ગામ’નું અભિયાન શરૂ થયાના ગણતરીના કલાકોમાં જ સારા પરિણામો આવવા લાગ્યા છે. બીજી લહેરના પ્રારંભમાં હોસ્પિટલમાં ખાટલા, ઓક્સિજનના બાટલા, એમ્બ્યુલન્સ અને રેમેડીસીવીર ઈંજેકશન અને દવાઓની ભયંકર ખેંચનું પેનીક ઉભુ થયું હતું. સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં દિન-પ્રતિદિનના વધારાએ ચિંતા વધારી હતી ત્યારે ગુજરાતમાં તબક્કાવાર ચાલી રહેલી કોરોના વિરોધી કામગીરી અને લોકોના સ્વયંમ જાગૃતિના અભિગમથી કોરોનાની રિકવરી રેટમાં ધરખમ ઉછશળો આવતા આત્મવિશ્ર્વાસનો એક નવો માહોલ ઉભો થઈ રહ્યો છે. હોસ્પિટલો અને સંશાધનોની મર્યાદાને સમયસર પારખીને ગુજરાત અને સૌરાષ્ટ્રની જનતાએ કોરોનાને હંફાવવા સ્વયંભુ લોકજાગૃતિ કેળવી લોકો પોતાની મેળે જ હોમ આઈસોલેટ, સોશિયલ ડિસ્ટન્સ, દવાઓના વિનયપૂર્વકના ઉપયોગ દ્વારા લક્ષણ ધરાવતા દર્દીઓની સમયસર સારવાર પોઝિટિવ દર્દીઓ સાથે પોઝિટિવ વર્તન અને સહિયારા સહયોગથી સંક્રમીત દર્દીઓની ઘરગથ્થુ સારવાર અને હોમ આઈસોલેટ થવામાં જે ચીવટ રાખવામાં આવી તેનાથી રિકવરી રેટનો પારો વધતો ગયો. હવે પરિસ્થિતિ દિવસે-દિવસે વધુ સાનુકુળ થઈ રહી છે. આગામી થોડા જ દિવસો નહીં પરંતુ થોડા જ કલાકોમાં રિકવરી રેટ સામે નવા દર્દીની સંખ્યામાં પણ ઘટાડો થવા લાગ્યો છે.
એક સમય હતો કે, રસ્તા પર એમ્બ્યુલન્સની દોડા-દોડી અને સાયરોની ગુંજથી વાતાવરણ બિહામણુ બની ગયું હતું. હોસ્પિટલમાં વેઈટીંગ લીસ્ટની સાથે સાથે હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની પણ લાંબી કતારો લાગી હતી પણ આ કપરા સંજોગોમાં તંત્ર અને પ્રજાના સહિયારા પ્રયાસો અને સમજણથી જે રીતે કોવિડ-19 સામે યુદ્ધની સ્થિતિએ કામગીરી કરવામાં આવી તેનાથી ગુજરાતમાં કોરોના જેવી મહામારી પણ હાંફી ગઈ છે. ‘ગુજરાત જાગ્યુ, કોરોના ભાગ્યુ’ હોય તેમ કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. કોરોના સામે રસીકરણ જ રામબાણ ઈલાજ માનવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં રસીકરણનું લક્ષ્ય 100 ટકા સુધી લઈ જવા માટે પ્રજાની જનજાગૃતિની સાથે સાથે ગુજરાતના 14000 ગામોમાં 10 નાગરિકોની સમીતી બનાવીને જે રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે તે જોતા આગામી થોડા જ દિવસોમાં કોરોનાના તોફાને ચડેલા ઘોડાને ચોકડા લાગી જશે