‘ભુત કાઢતા, પલીત પેઠુ’ કોરોના મહામારી સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહી છે. એક બાદ એક લહેરના આતંકથી હજુ ક્યારે મુક્તિ મળશે તે કંઈ નકકી નથી. જો કે, ભારતમાં કોરોનાને કાબુમાં લેવામાં મહદઅંશે સફળતા મળી છે પરંતુ હજુ કોરોનાથી સંપૂર્ણપણે છુટકારો મળ્યો નથી ત્યાં દવાઓની આડઅસર અને સારવારના અતિરેકથી કોરોનાથી પણ ભયંકર મહામારી મ્યુકરમાઈકોસીસના ઉપદ્રવે આરોગ્ય જગત અને સમગ્ર દેશમાં ચિંતા જગાવી છે. કોરોના ભાગવા લાગ્યું છે પરંતુ મ્યુકરમાઈકોસીસની એન્ટ્રીએ ચિંતામાં તો વધારો કર્યો પરંતુ હજુ મ્યુકરમાઈકોસીસ રોગની પૂરી ઓળખ, સચોટ સારવાર અને દવાનો કોઈ યોગ્ય રસ્તો મળ્યો નથી ત્યારે કોરોનામાં જેવી રીતે દવાઓની અછત લોકોની માંગનો ગેરલાભ લઈને કાળાબજાર કરવા ઉમટી પડેલા ‘ગીધડા’ઓ હવે મ્યુકરમાઈકોસીસની સારવાર માટેના ઈંજેકશનની કાળાબજારી કરવા લાગ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.

કોરોના કાળમાં પ્રારંભીક દિવસોમાં જ્યારે સંક્રમણ ખુબ જોરમાં હતુ ત્યારે દવા, ઓક્સિજન, રેમેડેસીવીરના ઈંજેકશનોથી લઈ વેન્ટિલેટર સુધીની ઉભી થયેલી અછતમાં લોકોએ ભારે હાલાકી સહન કરવી પડી હતી. દર્દીઓની સંખ્યામાં વિસ્ફોટની સામે હોસ્પિટલોની મર્યાદિત વ્યવસ્થા, ઓક્સિજનના ઉપકરણો, બાટલા અને છેલ્લે પ્રાણવાયુમાં પણ મોટી અછત સમસ્યાનું ભુત બનીને ધ્રુણ્યુ હતું અને રેમેડેસીવીર ઈંજેકશનની લઈ દવા અને ગેસના બાટલાના કાળાબજારનો કકળાટ ઉભો થયો હતો. કોરોના હવે મહદઅંશે કાબુમાં આવી ગયો છે પરંતુ જતાં જતાં મ્યુકરમાઈકોસીસ મુક્તુ ગયું હોય તેમ કાળી ફૂગજન્ય આ રોગની હજુ પૂરી ઓળખ થઈ નથી અને તેની સારવારના કોઈ નિશ્ર્ચિત દિશા નિર્દેશ મળ્યા નથી ત્યારે આ નવા રોગચાળાએ પણ લોકોમાં ભારે ચિંતાનું કારણ ઉભુ કર્યું છે.

મ્યુકરમાઈકોસીસની સારવારના ઈંજેકશનના ભાવો એકાએક વધેલી માંગના કારણે વધી ગયા છે. ક્યાંક-ક્યાંક અછતનાં કારણે ઈંજેકશનના કાળાબજાર થવાની ફરિયાદો વચ્ચે સ્ટેટ ફાર્મસી કાઉન્સીલે આ અંગે દરમિયાનગીરી કરવા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને રજૂઆત કરી છે. મ્યુકરમાઈકોસીસના ઈલાજ માટે ઉપયોગી અલગ અલગ કંપનીઓના ઈંજેકશનો અલગ અલગ ભાવથી વેંચાઈ ર્હયાં છે. ક્યાંક-ક્યાંક ગરજના ભાવો પણ લૂંટવામાં આવી રહ્યાં છે. આ હાલાકી ઓછી થાય તે માટે સ્ટેટ ફાર્મસી કાઉન્સીલે રજૂઆત કરી છે કે, મ્યુકરમાઈકોસીસના એક ઈંજેકશનના ભાવ 269, બીજી કંપનીના ભાવ 900 તો કોઈ 7000 રૂપિયા વસુલ કરે છે. કંપનીના અલગ અલગ ભાવથી લોકો ચીતભ્રમ જેવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. રાજ્યમાં કોરોનાની સાથે સાથે મ્યુકરમાઈકોસીસના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં મ્યુકરમાઈકોસીસ કેસમાં વધારો થતાં ઈંજેકશોની માંગ વધતા માનવીને મજબુરીમાંથી પૈસા રળવાની લ્હાયમાં ગીધડાઓએ હવે મ્યુકરમાઈકોસીસની દવાઓમાંથી લૂંટ ચલાવવાનું શરૂ કરી દીધુ હોય તેમ આ નવા રોગચાળાની દવાઓના ભાવમાં નિયંત્રણ રહે તેવી માંગ કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.