ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 હાલમાં અનિશ્ચિત સમય સુધી સસ્પેન્ડ રખાય છે. બે દિવસમાં ત્રણ ખેલાડીઓને કોવિડનો ચેપ લાગ્યો, જે પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સનરાઇઝર્સ હૈદરાબાદનો વિકેટકીપર અને બેટ્સમેન ઋદ્ધિમાન સાહા કોવિડનો શિકાર બન્યો હતો. IPL GC અને BCCIની મંગળવારે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.


IPLની ઓફિશ્યલ વેબસાઇટ દ્વારા માહિતી આપવામાં આવી છે કે, ‘BCCIએ આ ટૂર્નામેન્ટ સાથે સંકળાયેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સલામતીને લઈને કોઈ જોખમ લેવા માંગતો નથી. આ નિર્ણય સૌની સુખાકારીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ મુશ્કેલ સમય છે અને ખાસ કરીને ભારત માટે. અમે લોકોમાં થોડીક સકારાત્મકતા લાવવા અને તેમનું મનોરંજન કરવાનો પ્રયાસ કર્યો, પણ ટૂર્નામેન્ટ હવે સસ્પેન્ડ કરવામાં આવી છે અને તેમાં સામેલ બધા લોકો તેમના ઘરે પરત ફરી શકે છે.’

BCCIના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાએ ANIને કહ્યું હતું કે, ‘IPL 2021ને હાલના સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે, પણ તે રદ નથી થયું. તે ફરીથી ક્યારે શરૂ થશે તે જોવું રહ્યું. સોમવારે કોવિડ ટેસ્ટમાં વરુણ ચક્રવર્તી અને કોલકાતા નાઈટ રાઇડર્સના સંદીપ વોરિયર પોઝીટીવ જોવા મળ્યા હતા, ત્યારબાદ KKR અને RCB વચ્ચેની મેચ મુલતવી રાખવી પડી હતી.


એવા અહેવાલો આવ્યા હતા કે IPLની બાકીની તમામ મેચ મુંબઈમાં યોજાશે, પરંતુ હાલના સમયમાં સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. IPLની અત્યાર સુધીમાં કુલ 29 મેચ રમાય છે. ખેલાડીઓ ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજીનો કોવિડ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. IPL 2021 બાયો સિક્યોર એન્વાયર્નમેન્ટમાં રમવામાં આવી હતી. આવી સ્થિતિમાં, ખેલાડીઓને કોરોના ચેપ લાગવો એ ગંભીર બાબત છે, અને આ કેવી રીતે થયું તે બાબતની ચર્ચાએ વેગ પકડ્યો છે.

કોરોના કાળમાં IPL આયોજીત કરનાર BCCIને 1000 કરોડનો દંડ ફટકારો: બોમ્બે કોર્ટમાં કરાય અરજી

દેશભરમાં કોરોના મહામારીની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે ત્યારે આ મહામારી દરમિયાન આઈપીએલનું આયોજન કરવા બદલ બોર્ડ ઓફ ધ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા એટલે કે BCCIને 1000 કરોડનો દંડ કરવો જોઈએ તેવી માંગણી કરતી અરજી બોમ્બે કોર્ટમાં કરાઈ છે. બોમ્બે કોર્ટ દ્વારા પણ આ અરજીને ધ્યાનમાં લેવા તૈયારી બતાવવામાં આવી છે.

અરજી વંદના શાહ નામના એડવોકેટ દ્વારા થઈ છે. IPLમાં મીસ મેનેજમેન્ટ અને બેદરકારી સબબ દંડ થવો જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે. આ PIL કોર્ટમાં થયા બાદ કોર્ટ શું પગલા લેશે તે અંગે પ્રશ્ર્નો ચર્ચાઈ રહ્યાં છે. કોર્ટને અરજકર્તાએ અપીલ કરી છે કે, કઈ પ્રકારના કોરોના પ્રોટોકોલનું અમલ થયું હતું. આ ઉપરાંત દેશના લોકોની માફી પણ માગવામાં આવે તેવી રજૂઆત અરજીમાં થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.